ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે
એના પાળિયા થઇને પૂજાવું… રે ઘડવૈયા..
હોમ હવન કે જગન જાપથી
મારે નથી પધરાવું.
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં
એનાં કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા..
પીળા પીતાંબર કે જરકશી જામા મારે વાઘામાં નથી વીંટળાવું.
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઇ જાવું… રે ઘડવૈયા..
ગોમતીજી કે ઓલ્યા જમનાજીના આરે
નીર ગંગામાં નથી નાવું.
નમતી સાંજે કોઇ નમણી વિજોગણના
ટીપા આંસુડાએ નાવું… રે ઘડવૈયા..
બીડ્યા મંદિરિયામાં નથી બેસવું મારે
ખુલ્લા મેદાનમાં જાવું.
શૂરા શહીદોની સંગાથમાં મારે
ખાંભીયું થઇને ખોડાવું… રે ઘડવૈયા..
કપટી જગતના કૂડાકૂડા રાગથી
ફોગટ નથી રે ફુલાવું.
મુડદાં બોલે એવા સિંધૂડા રાગમાં
શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા..
મોહ ઉપજાવે એવી મુરતિયુંમાં મારે
ચિતારા નથી ચીતરાવું.
રંગ કસુંબીના ઘૂંડ્યા રુદામાં એને
‘દાદ’ ઝાશું રંગાવું… રે ઘડવૈયા..