વાંસળીનું મૂલ્ય ક્યાં છે વાંસ વનમાં,
વાંસળી વિણ શૂન્યતાનો ત્રાસ વનમાં.
હોઠ પર અધિકાર રાખે કાનજીના
પ્રાણ પ્યારી વાંસળી છે ખાસ વનમાં.
સોય સમ ભોંકાય છે એ સ્હેજ ચીરો
છેદ ફૂંકો સુર જામે રાસ વનમાં.
કાન પોઢ્યા ટોપલીમાં પૂર યમુના
દેવકી ઢંઢોળતા બસ આશ વનમાં.
રાધિકા ૠજુ હ્રદય ભેંકાર રડતાં
ખરખરે હૈયે વિરહની ફાંસ વનમાં.
કોણ ચારે ધેન ? કાનો દ્વારકામાં
ભાંભરે છે ગાય ખીલે ભાસ વનમાં.
બીજ રોપ્યા પ્રેમનાં જગ ભાર હરવા
તુલસી વાવ્યા પડ્યા છે ચાસ વનમાં.
બાંધતી ઇશ 'મા' ની મમતા બંધનોમાં
નાગ કાળી નાથીયો છે હાશ વનમાં.
કાન છોડ્યું ગોકુળીયું કંસ કારણ
પ્રાણ વૃંદાવન ભમે મન શ્વાસ વનમાં.
જોષી બાબુલાલ "દર્શન"