ઘર
------
( મંદાક્રાન્તા )
થાક્યા પાક્યા ચરણ વળતા આપમેળે બધાના
મોડી સાંજે પરત ફરતા જોશ ભેરે બધાના...!
કાઢી નાખી ઝટ પગરખાં ‘હાશ‘ બોલી પડાયે
તેને તો ભૈ "ઘર" સમજવું... પૃથવીનો જ છેડો
" આવીગ્યો ભૈ"વચન વદતાં બોખલાં મુખ બાનાં
ક્યાં સંતાડ્યો નિયમ સરનો‘ભાગ‘ મારો તમે તો?
ફેંદી નાખી પલકભરમાં બેગ આખી તમારી...
શોધી કાઢ્યો નિત જ મળતો‘ભાગ લાગો‘ મુન્નાએ
આંખોમાં જે ચમક ઉઠતી ઘેર આવ્યે ખુશીની
તે જોઈને વિસરાઇ જતો થાક ભૂંડો તમારો
નાસ્તો મૂક્યો ગરમ કરમાં, "ચા બનાવું" કહીને
ભીના હાથો ફરર ફરતા,પાલવે લૂછવાતા
ઈંટો-ચૂનો, ચણતર થકી બાંધતા સૌ "મકાનો"
સાચે તે તો"ઘર થઈ જતું... હૂંફ પ્રેમે બધાંની...!
#આવાસ
( મંદાક્રાન્તા છંદમાં સોનેટ...ઘર ... પ્રસ્તુત છે.)