સ્નેહનાં સંભારણા..
એક નાનકડી ચકલી રોજ તણખલા ભેગા કરી આર્યાના ઘરનાં ફળિયા માં માળો બનાવે છે.વેકેશનમાં આર્યા દાદા-દાદી પાસે ગામડે આવી છે.વતન આજે એને સ્વર્ગથી ચડિયાતુ લાગતું હતું.અમેરીકાથી આર્યાના જન્મ પછી સાત વર્ષે તે પહેલી વાર વતન આવેલા.રોજ દાદા-દાદીનું રમકડું એવી આર્યા નાચતા- કૂદતાં તેને ખુશ ખુશાલ કરી દેતી . પેલી ચકલી સાથે પણ તેઓ જાણે રોજ મીઠી વાતો કરતી હોય તેમ તેઓ સાથે હસ્યા કરતા! ...પણ વૃદ્ધ આંખોની આ ખુશી ક્યાં કાયમ રહેવાની હતી!... એક મહિના ની માયા લગાડી આજે તેઓને જવાનો સમય આવી ગયો.પેલી આશા ભરી વૃદ્ધ આંખો આ દ્રશ્યને જીરવી ગઈ કેમકે આખરે ક્યાં સુધી તેઓ સાથે રહે આખરે તો તેમને જવા જ દેવાના હતા..
************
ચાર વર્ષ પછી ફરી પાછી આર્યા પોતાના વતન આવે છે .તેને પણ ખબર નથી, શા માટે તેઓ અહીં આવ્યા છે?
વિદેશી સંસ્કૃતિના રંગે રંગાયેલો માણસ પોતાની ફરજ ખાતર કે કદાચ લોક-લાજના લીધે આ પગલાંને અહીંયા ખેંચી લાવ્યાે હશે.આર્યા માતા- પિતા સાથે ઘરમાં પ્રવેશી પેલા બગીચા ને જુવે છે. મઘમઘતા ફૂલોની મીઠી સુગંધ જાણે તેને આવકારે છે.પણ આર્યાની આંખો તો પેલી વૃદ્ધ આંખોને શોધતી હતી. પણ કોઈ ત્યાં દેખાતું નથી....એની આંખો બધી જગ્યાએ તેને શોધી વળે છે.
ક્યાંકથી તેને પેલી ચકલીનો અવાજ સંભળાય છે. તે અવાજની દિશામાં આગળ વધે છે. જુએ છે તો તે કોઈ છબીઓ પરનાં હારમાંથી ફૂલોને વિખેરતી હતી.આર્યા તેની સામે જોઈ થંભી જાય છે.તેની આંખમાં ઝળઝળિયા આવી જાય છે. એ અનિમેષ નજરે ત્યાં જોયા કરે છે ..જાણે તે છબીમાંની વૃદ્ધ આંખો તેના આંસુંને રોકવા કહી રહ્યા હોય....
પણ એકમેકને આજે કોઈ શબ્દો નથી મળતા....
જડ અને ચેતન વચ્ચે આજે લાગણી ની આપ-લે થાય છે.બે અલગ દુનિયાનો સેતુ ચકલીનાં કલરવમાં બંધાય અને એજ પળે જાણે તૂટી જાય છે...
- ડૉ. સરિતા ( માનસ)