મામલો છેવટ લગીનો થાવા દે,
ના દવા કર,જખ્મ જૂનો થાવા દે
છે અભાવોનું નગર ફંફોસી જો,
શ્વાસ ચોરી, એક ગુનો થાવા દે
એમ ના રસ્તો બને સહેલાઈથી
તોડ પત્થર, ને પસીનો થાવા દે
છે હજુ પાષાણ, પણ થાશે જળહળ
ઘાટ આપીને નગીનો થાવા દે
ક્યાં સુધી તું જળકમળવત થઇ જીવે?
એક ખૂણો આજ ભીનો થાવા દે
શાંત કોલાહલ કરી જાજે અંદર
ઓરડાને સાવ સૂનો થાવા દે
જીવ ઊભો બારણે કર જોડીને,
ભક્ત કર યા તો કમીનો થાવા દે.