હજુ બે દિવસ પહેલા જ ટીવીમાં સમાચાર આવ્યા હતા કે એક વ્યક્તિએ એને ચાલતી વખતે હેરાન કરી રહેલ કૂતરાને ઊંચકીને પુલ પરથી નીચે નદીમાં ફેંકી દીધો. શું આજનો માણસ આટલો દુષ્ટ થઈ ગયો છે? શું એ ફૂટપાથ માત્ર એને માટે જ હતી? શું સરકાર જે રસ્તાઓ કે ફૂટપાથ બનાવે છે એનાં પર માત્ર મનુષ્યોનો જ અધિકાર છે? નહીં. પ્રાણીઓ પણ એનાં પર ચાલી જ શકે છે.
આમ પણ આજનો માનવી એટલો દુષ્ટ થઈ ગયો છે કે પોતાનાં સ્વાર્થ અને સુખ સગવડ માટે એક તો એણે જંગલો કાપીને પ્રાણીઓનાં ઘર છીનવી લીધાં અને બીજી બાજુ પોતાનાં મનોરંજન માટે પ્રાણીઓને કેદ કરીને એમની પાસે સર્કસમાં કામ કરાવવા માંડ્યું.
નવા નવા રસાયણોની શોધ કરીને પૃથ્વીનાં વાતાવરણને પ્રદુષિત કર્યું, અને હવે એની દુષ્ટ પ્રવૃત્તિઓથી જ્યારે હવા અને પાણી પ્રદુષિત થયાં છે ત્યારે દોષનો ટોપલો કોનાં પર ઢોળવો એ શોધે છે. ભગવાનને પ્રાર્થના કરે છે કે એની રક્ષા કરે, એની ભૂલોને માફ કરી દે. શું માનવી પોતે કોઈની ભૂલને આસાનીથી માફ કરી શકે છે? તો પછી પોતાની ભૂલ કે દુષ્ટ પ્રવૃત્તિ બદલ કોઈ એને તરત જ માફ કરી દેશે એવું એ કેવી રીતે વિચારી શકે?
બાળાત્કારનાં કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. શા માટે? ટીવીના કાર્યક્રમો કે પછી ઈન્ટરનેટ ઉપર જોયેલ ઉત્તેજક દ્રશ્યોને લીધે મનમાં દુષ્ટ વિચારો આવવા માંડે છે. આ દુષ્ટ વિચારો એક છોકરી કે સ્ત્રીની જીંદગી જીવવાનું મુશ્કેલ કરી દે છે. નજીવી રકમની લેણા દેણીમાં એક બીજાનું ખૂન કરી નાંખવા તૈયાર થઈ જાય એટલો એ દુષ્ટ થઈ ગયો છે.
પણ એ વાત પણ એટલી જ સાચી કે બધાં દુષ્ટ લોકો ખરેખર દુષ્ટ નથી હોતાં, ક્યારેક સંજોગો એમને દુષ્ટ બનાવી દે છે.
#દુષ્ટ