ક્યારેક ક્યારેક જીવનમાં અમુક કિસ્સાઓ ફિલ્મી ઢબે બની જતાં હોય છે, જે જીવનભર યાદ રહે છે.. આજે હું એવો જ એક કિસ્સો શેર કરવા માંગુ છું..
થોડા દિવસ પહેલા મને વોટ્સેપ પર કોઈ અજાણ્યા નંબરથી એક અજાણ્યા ગ્રુપમાં એડ કરવામાં આવી, એ ગ્રુપના મેમ્બર હું અને બીજા ચાર નંબર હતા જે અજાણ્યા હતા.. મેં ગ્રુપ એડમીનને મેસેજ કર્યો કે કોણ છે એ પણ કોઈ જવાબ આવ્યો નહીં.. હું રાહ જોવાનું વિચારી મારા કામે લાગી.. થોડી વાર પછી મેં મારો ફોન ચેક કર્યો તો એ ગ્રુપમાં લગભગ પચાસેક મેસેજ આવેલા હતા, હજુ એ હું વોટ્સેપ ઓપન કરૂ એ પહેલા ફોનની રિંગ વાગી, એ પણ અજાણ્યો નંબર હતો, મને થોડો ડર લાગ્યો, કોણ હશે એ વિચારી રહી અને રિંગ પુરી થઈ ગઈ.. એ પછી મેં વોટ્સેપ ખોલ્યું.. એ નંબર એ જ ગ્રુપમાંથી એકનો હતો.. આમ તો ડરની કોઈ વાત જ નહોતી, એવુ કંઇ અતીતમાં હતુ પણ નહીં જે આવી રીતે મને કોન્ટેક્ટ કરે, ના તો એટલા બધા દોસ્ત હતા.. હું ગ્રુપમાં મેસેજ વાંચી રહી,
"હાય, આરતી.."
"કેમ છે..? "
"યાદ પણ નહી હોય અમે.. " વગેરે મેસેજ દરેક નંબર પરથી આવેલા હતા.. હું હજુ બધા મેસેજ વાંચુ એ પહેલા ફરીથી ફોનની રિંગ વાગી...
આ વખતે મેં ફોન ઉપાડ્યો..
"આરતી..? "
"હા, તમે કોણ..? "
"જાસ્મિન... "
જાસ્મિન સાંભળતાં જ મને એ ગ્રુપમાં બીજા કોણ કોણ હતા એનો ખ્યાલ આવી ગયો..
એ ચારેય હતી મારી સ્કૂલની સહેલીઓ.. બિના, મયુરી, નેહા, અને જાસ્મિન.. આ ચારેય મારી સાથે દસમાં ધોરણ સુધી સાથે જ હતી.. અમે પાંચેય એકબીજાની પાક્કી સહેલીઓ હતી.. નોટ્સથી માંડી સ્કૂલમાં ઈતર પ્રવૃતિમાં ભાગ કે પછી કોઈ પણ વાત અમે પાંચેય સાથે જ હોય..
દસમાંની પરિક્ષા પછી અમે શહેરના બીજા એરિયામાં શિફ્ટ થઈ ગયા, અને નવી સ્કૂલ અને નવા ઘરમાં એડજસ્ટ થવામાં હું એ ચારેયને ભૂલી ગઈ, જોકે યાદ તો હતા જ બધા પણ મેં પછી ક્યારેય એ બધાને કોઈ કોન્ટેક્ટ કે મુલાકાત લીધી નહોતી.. લગભગ સાત આઠ વર્ષ પછી આજે જાસ્મિનનો અવાજ સાંભળ્યો હતો.!
"આરતીનો જ નંબર છે ને આ..? હેલ્લો.. "
"હા, જાસ્મિન બોલ.." હું વર્તમાનમાં આવતા બોલી..
એ પછી એણે નેહા, બિના અને મયુરીને પણ કોલમાં સાથે લીધા..
ચારેય સવાલોના તીર કામઠા લઇને મારી પર તૂટી પડી..
"ક્યાં હતી.., ક્યાં છે..? શું સ્ટડી કર્યું.?" વગેરે...
મેં મારા ફોનમાં જોયું, મારા સ્ટુડન્ટનો મેસેજ હતો, ઓનલાઈન લેક્ચર માટે, મેં મારા સ્ટુડન્ટસને રજા આપી દીધી.. અને એ પછી એ ચારેયના મનમાં વર્ષોથી ચાલતા સવાલના જવાબ આપતી ગઈ..
હું ખરેખર ખૂબ ખુશ હતી.. પછી જાણવા મળ્યું કે એ બધા મને શોધવાનો પ્રયાસ મેં સ્કૂલ છોડી ત્યારથી કરે છે.. હું મારી જાતને દોષી માનવા લાગી કે મેં ક્યારેય એ લોકોને મળવાનો પ્રયાસ નહોતો કર્યો..!
આટલા વર્ષો પછી પણ હું એમને આજે કેવી રીતે મળી, ત્યારે જાણવા મળ્યું કે નેહાના કોઈ ફેસબુક ફ્રેન્ડે કોઈ ફોટો અપલોડ કરી હતી અને એના બેકગ્રાઉન્ડમાં હું હતી, એ કોઇ લગ્નનો ફોટો હતો અને એ મારી એક સહેલીના જ લગ્ન હતા... પછી મારો નંબર મળ્યો..!
(આગળ ફરી ક્યારેક)
#મિત્રતા