ગુપ્ત ધન, ગુપ્ત વાતો, ગુપ્ત ઈચ્છા, ગુપ્ત કૌશલ્ય, કેટલું બધું ગુપ્ત હોય છે. સમજ નથી પડતી શેની ચર્ચા કરું?
ગુપ્ત ધન જેની પાસે હોય છે તે ધન હોવા છતાં પણ સુખેથી નથી રહી શકતા, કારણ કે એમને ડર હોય છે એ ધન ગુમાવવાનો. સતત એ વાતનું ધ્યાન રાખતાં હોય છે કે એમનું ગુપ્ત ધન ચોરાઈ ન જાય કે એનાં વિશે કોઈને ખબર ન પડી જાય.
આપણાં કેટલાંક પૌરાણિક મંદિરો અને કેટલાંક ઐતિહાસિક સ્થળોએ ગુપ્ત ધન, ગુપ્ત ખજાનો અને ગુપ્ત શહેરો દટાયા હોવાની માન્યતા છે. આપણું પુરાતત્વ ખાતું આ બાબતે ખોદકામ કરી સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન પણ કરે છે અને ઘણી બધી જગ્યાએથી ગુપ્ત અવશેષો મળી આવ્યાં છે. હાલમાં જ ધોળકાનાં અરણેજ ખાતે બનેલ લોથલનું સંગ્રહાલય આનો પુરાવો છે.
ગુપ્ત ઈચ્છાઓ - મારુ એવું માનવું છે કે દરેક જણની કોઈક ને કોઈક ઈચ્છા તો હોય જ છે જે એણે ગુપ્ત રાખી હોય છે. પુરી થશે કે નહીં એ એનાં હાથમાં નથી હોતું પણ આ ગુપ્ત ઈચ્છાનાં સહારે એ જીંદગી વિતાવી દે છે.
ઘણાં લોકો એકબીજા સાથે ગુપ્ત વાતો કરતાં હોય છે, જેમાં મોટા ભાગે તો કોઈકની નિંદા જ થતી હોય છે. પરંતુ આ ગુપ્ત વાતો બહુ લાંબો સમય ગુપ્ત રહેતી નથી. કોઈક ને કોઈક માધ્યમ દ્વારા એ ફેલાઇ જ જાય છે. જો કોઈ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ હોય કે આ મારી વાત બહાર નહીં કરશે, ગુપ્ત રાખી શકશે તો જ અગત્યની વાત એમને કરવી.
બીજું કે આ દુનિયામાં ઘણાં એવા લોકો છે કે જેઓ ખૂબ જ પ્રતિભાશાળી છે પરંતુ એમને પોતાને જ એની ખબર નથી. દરેક વ્યક્તિમાં કોઈક ગુપ્ત કૌશલ્ય હોય છે. જો એને કોઈ યોગ્ય વ્યક્તિનો સાથ મળી જાય તો કદાચ એ પોતાનાં એ ગુપ્ત કૌશલ્યને દુનિયા સમક્ષ લાવી શકે અને પોતાની પ્રગતિ પણ કરી શકે.
#ગુપ્ત