કાલે ઝગડો કર્યો. આજે આરામ કરીએ.
ચાલો આ તો થોડી હળવાશ. આરામ બધાને કરવો છે પણ એ ખૂબ જ મોંઘી બાબત છે. બધાનાં નસીબમાં હોતો નથી. આરામ કેટલો કરવો અને ક્યારે કરવો એ પણ આપણાં હાથમાં જ છે.જો આપણે આપણું નસીબ આગળ નથી વધારવું, આપણી સમૃદ્ધિ નથી ઈચ્છતા તો આખો દિવસ આરામ કરી શકાય. જો આગળ વધવું છે, પ્રગતિ કરવી છે તો શારિરીક નહીં માનસિક આરામ કરવો પડશે. મન પ્રફુલ્લિત હશે તો તમે વ્યવસ્થિત રીતે વિચારી શકશો. યોગ્ય નિર્ણય લઈ શકશો.
કહેવાય છે ને કે સપના પૂરા કરવા માટે જાગવું પડે છે, આરામ કરવા માટે સમય ઘટાડવો પડે છે.
આપણાં દેશમાં કેટલાયે લોકો એવા છે કે જેમણે થાક્યા વગર અવિરત કામ કરવું પડે છે પોતાનું ગુજરાન ચલાવવા માટે. આરામ કરવાનું તો એઓ સપનામાં પણ નથી વિચારી શકતાં. શા માટે આવું? કેટલાંક લોકો માત્ર આરામની જીંદગી જીવે છે અને કેટલાંક આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ એક ટંકનું ખાવાનું મેળવે છે.
આવી જ દશા મોટા ભાગની સ્ત્રીઓની છે. સવારે વહેલા ઊઠીને બધા માટે ચા, દૂધ, નાસ્તાથી માંડીને રાત્રે બીજા દિવસ માટેની તૈયારી કરવા સુધીનું કામ હોય છે. આરામ કરવા માટે જો એ પાંચ મિનિટ પણ બેસે ને તો જાણે 5 કલાક મોડું થઈ ગયું હોય એવું થાય છે.
આરામ ક્યારે કરવો અને કેટલો કરવો એની જો ખબર પડે તો આરામ પણ કરવા મળે અને પ્રગતિ પણ કરાય.
#આરામ