કેટલા તણખલા એકઠા કરો ત્યારે માળો સર્જાય,
એકાદ પંખીડાને પૂછો
તમને નહી સમજાય.......
પક્ષી બનાવે માળો
માનવી પણ બનાવે બંગલો,
તો પછી એ બેમાં ભેદ શું ?
પક્ષી જરૂરિયાત મુજબ જ બનાવે માળો.. (વણલોભી)
*માનવીની એ તાકાત નહીં..!*
પક્ષી પ્રેમથી બચ્ચાં જણે
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બેમાં ભેદ શું ?
પાંખો ફૂટે, પક્ષી બંધનમુક્ત થાય.. (અનાસક્ત સંબંધ)
*માનવીની એ તાકાત નહીં..!*
નિજ શિશુ કાજ પક્ષી કણ કણ ભેગા કરે
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બે માં ભેદ શું ?
કણ પણ માળે શોધ્યો ના જડે.. (અસંગ્રહ)
*માનવીની એ તાકાત નહીં..*
પેટ કાજે પક્ષીઓ દેશાવર ઉડે
માનવીનો પણ એ જ ક્રમ,
તો પછી એ બેમાં ભેદ શું
કણ મળે સંતુષ્ટ પક્ષીઓ આનંદે ઝૂમે.. (સંતોષ)
*માનવીની એ તાકાત નહીં..!*
જીવનના અંતે પક્ષી મરે
માનવી પણ મૃત્યુથી ડરે,
તો પછી એ બેમાં ભેદ શું ?
પક્ષી મૃત્યુનો ક્યાંય કકળાટ નહીં.. (નિષ્કામ જીવન)
*માનવીની એ તાકાત નહીં..!!*