રુદ્રપ્રયાગના નરભક્ષી દીપડાને જીમ કોરબેટે જ્યારે ઇતિહાસનું પાત્ર બનાવી દીધો
જમાનો વન્યજીવનની સુરક્ષા જાળવવા પ્રત્યેના વલણનો છે, તેથી વાઘ-દીપડાના શિકારનું વર્ણન જરા અજૂગતું લાગવું સ્વાભાવિક છે. લેખમાં વર્ણવેલો દીપડાના શિકારનો કિસ્સો જો કે સદી પહેલાંનો છે અને દીપડો રીઢો નરભક્ષી બની ગયેલો તે મુદ્દો પણ ધ્યાન પર લેવાનો રહે છે. ઉત્તરાખંડના (મૂળ નામે ઉત્તરાંચલના) ગઢવાલ ડિવિઝનમાં જૂન ૯, ૧૯૧૮થી માંડીને એપ્રિલ ૧૪, ૧૯૨૬ સુધી નિશાચર દીપડાએ કેર મચાવ્યો. આ સમયગાળા દરમ્યાન તેના ભયને કારણે આશરે ૧,૩૦૦ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રાત્રિકરફ્યૂ રહ્યો. આજથી બરાબર ૧૦૦ વર્ષ અગાઉ ૧૯૨૦માં બાર મહિનામાં તેણે ૬ નરબલિ લીધા ત્યારે સરકારી ચોપડે તે પહેલીવાર Man-eating Leopard of Rudraprayag એવું નામકરણ પામ્યો.
આ નામ એટલા માટે કે પહેલો માનવશિકાર તેણે રુદ્રપ્રયાગ પાસેના બૈજી કહેવાતા ગામે કર્યો. સરકારી નોંધ મુજબ છેલ્લો (૧૨૫મો) નરબલિ ગઢવાલમાં જ રુદ્રપ્રયાગની દક્ષિણે ભૈનશ્વર ગામમાં લીધો. આ કથા શિકાર અને શિકારી વચ્ચે મહિનાઓ સુધી ખેલાયેલા આટાપાટાની છે, જેમાં શિકાર અને શિકારીના રોલ અદલબદલ પામી શકે અને જરાક માટે બદલાવ થતો રહી જાય એવું પણ ઘણી વખત બન્યું. શિકારી જીમ કોરબેટ માટે ખંધા દીપડા સાથેના દાવપેચ વ્યક્તિગત રીતે એટલા રોમાંચકારી નીવડ્યા કે તેણે પોતાની દાસ્તાન Man-eating Leopard of Rudraprayag શીર્ષકના પુસ્તકરૂપે લખી. ૧૯૪૮માં પહેલી આવૃત્તિ પ્રગટ થયા પછી સાત દસકા બાદ હજી તેની આવૃત્તિઓ છપાતી રહે છે. કોરબેટની રસાળ શૈલીમાં લખાયેલા સસ્પેન્સપૂર્ણ પુસ્તકરૂપે રુદ્રપ્રયાગના દીપડાને સેલિબ્રિટીના દરજ્જે મૂકી દીધો.