આજથી ફિટ બાવીસ મહિના પહેલા માતૃભારતી એપ્લિકેશન પર મારી લેખનયાત્રા 'આખરી દાવ' નામક લઘુનવલથી થઈ હતી. એ સમયે તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આજે ડાઉનલોડ સંખ્યા 10 લાખને આંબી જશે.
આવું શક્ય થયું છે મારી મહેનત અને લગનના લીધે, આ ઉપરાંત આ સફળતાનો શ્રેય હું મારા વફાદાર વાચકોને આપું છું. એમના સતત પ્રેમ અને પ્રતિસાદના લીધે જ હું પ્રારંભિક નિષ્ફળતાઓ પછી આ મુકામે પહોંચી શક્યો. મારી લેખનની આ સફર દરમિયાન મને સારા એવા મિત્રો મળ્યા જેને હું સ્નેહીજનની સમકક્ષ ગણું છું.
ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ પ્રતિષ્ઠિત ઈબુક એપ્લિકેશન એવી માતૃભારતી પર કાજલ ઓઝા, આશુ પટેલ, શિશિર રામાવત, કનુ ભગદેવ, એચ.એન.ગોલીબાર , પ્રવીણ પીઠડીયા જેવા માંધતા લેખકો; જેમની બુકો હાર્ડકોપી સ્વરૂપે પણ આવી ચૂકી છે, એમના વચ્ચે એમની હરોળમાં રહેવું નાનીસૂની વાત તો નથી જ.
નજીકમાં મારી બે બુક્સ હાર્ડકોપી સ્વરૂપે આવવાની છે અને એ સિવાય પણ નજીકમાં બીજી આવી જ નાની-મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે એમાં કોઈ મીનમેખ નથી.
બસ એટલું જ કહીશ કે આ તો માત્ર પડાવ છે હજી મંજીલ તો ઘણી દૂર છે.