Gujarati Quote in Blog by Tr Mrs Snehal Rajan Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં સંકટ તો આવ્યા જ કરે છે.તેને પાર કરવું ખૂબ જ મુશ્કેલ પડે છે. પૂરનું સંકટ, આર્થિક સંકટ, સ્વાસ્થ્ય બગડતા થતું શારિરીક સંકટ, વગેરે વગેરે. ઘણાં બધા સંકટો એવા છે કે જેમાંથી બહાર આવવું સહેલું છે. કોઈક ને કોઈક આપણી મદદે આવી જ પહોંચે છે અને આપણને સંકટમાંથી બહાર કાઢે છે.
મારે ચર્ચા કરવી છે માનસિક સંકટની. જ્યારે વ્યક્તિ કોઈ મોટા સંકટમાં ફસાઈ જાય છે ત્યારે સૌથી પહેલા શરૂ થાય છે એનું માનસિક સંકટ. થોડો સમય તો સમજ જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ. આવા સમયે જો એની પાસે કોઈ એવી વ્યક્તિ નહીં હશે જે એને આશ્વાસન આપી શકે અથવા તો યોગ્ય સલાહ આપી શકે તો તેની માનસિક સ્થિતી વધુ બગડે છે. એ પોતે તો કંઈ વિચારી શકવાની સ્થિતિમાં છે જ નહીં.
દરેક વ્યક્તિ સાથે એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ જે એની શુભચિંતક હોય અને કોઈ પણ સંકટ સમયે એની પાસે હાજર થઈ જાય. થોડા ઉત્સાહજનક વાક્યો અને કામમાં થોડી મદદ માનસિક સંકટમાં ઘણી મોટી રાહત આપે છે.
કેટલીયે વાર આપણે વાંચીએ છીએ કે માનસિક તાણમાં આવીને કોઈ વેપારીએ આપઘાત કર્યો, ભણવાનું યાદ ન રહેતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આપઘાતનું પગલું ભરે છે, પરીક્ષામાં નાપાસ થતા બાળકે નદીમાં ઝંપલાવ્યું કે ફાંસો ખાઈ લીધો ----- આ બધું શું છે? આ માનસિક નબળાઈ જ છે. માનસિક સંકટ આવવાનું સૌથી મોટું કારણ જ મનથી પાછા પડવું તે છે. જો મનથી તંદુરસ્ત હોઈએ તો આ જણાવેલ એક પણ કિસ્સાનો જન્મ જ ન થાય.
વેપારમાં જો પહેલેથી જ થોડું ધ્યાન રાખીને આગળ વધીએ તો ઘણાં મોટા નુકસાનથી બચી શકાય. એ વાત સાચી છે કે વેપારમાં સાહસ કરવું પડે, પણ આપણી મર્યાદા આપણને ખબર હોવી જોઈએ. અભ્યાસમાં પહેલેથી જ સારી રીતે મહેનત કરી હોય તો નાપાસ થવાનું કે નીચું પરિણામ આવવાનું શકય જ નથી. માતા પિતા ઠપકો આપે તે આપણાં સારા માટે જ હોય છે, એને માનસિક સંકટમાં ફેરવવાની કોઈ જ જરુર નથી.
સૌથી અગત્યનું છે - આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસથી ભરપૂર વ્યક્તિ ક્યારેય માનસિક સંકટનો શિકાર બનતો નથી. પણ એ વાત ધ્યાનમાં રાખવી કે આત્મવિશ્વાસ અને અભિમાન વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. આત્મવિશ્વાસ સંકટથી બહાર નીકળવાનો રસ્તો બતાવે છે જ્યારે અભિમાન સંકટમાં મૂકી દે છે.
આત્મવિશ્વાસ કેળવો અને કોઈ પણ માનસિક સંકટને, અરે હું તો કહું છું કોઈ પણ સંકટને, પોતાના પર હાવી ન થવા દો.
#સંકટ

Gujarati Blog by Tr Mrs Snehal Rajan Jani : 111531607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now