ગઝલ
ભલે આટલે દૂર આવી ચૂકી છું,
જો સાચું કહું તો હું થાકી ગઈ છું.
તને ભેટવામાં નડયું શું ખબર નહિ
લગોલગ હું આવીને પાછી ફરી છું!
હું ઈશ્વરની ઈચ્છા ગણું છું મિલનને,
ભલે તું કહે હું અજાણે મળી છું !
મને ભેટમાં થોડા ટહુકા તું દેજે,
આ કલબલ જગતમાં હું ભૂલી પડી છું !
નસીબ એક બોલે, કહે કર્મ બીજું
હું બન્નેની વાતોમાં ગોટે ચડી છું.
-શબનમ