દહીં જેવાં લોકો અને લોકો જેવું દહીં...
મને દહીં જેવી પ્રકૃતિવાળા લોકો બીજા બધાં કરતાં એકંદરે સારા લાગે.
દહીં જેવા એટલે ' ઓછી કે નહીંવત્ ભેળસેળવાળા અને મૃદુ ! '
મારા ઘરમાં દહીં મોટાભાગે ઘરમાંજ બને, પણ સંજોગવશાત્ આયાતી અવતારની પણ પધરામણી થતી રહ્યા કરે.
થયું એવું કે, આવાં જ એક દિવસે ઘરે જમવામાં સુખપાવની હતી પણ દહીં ઓછું હતું તેથી બહારથી પણ લાવવું પડ્યું (કહેવાની જરૂર નથી કે અમારા પોતીકા ઘરના દહીંને સહેજ તો અવશ્ય લાગી આવેલું).
જમતી વખતે મારી વહાલસોયી માં દ્વારા સહજપણે બોલાઈ ગયું કે ડેરીનાં દહીંમાં ખટાશનું પ્રમાણ સરસ અને પ્રમાણસર જળવાયેલું છે.
આ સાંભળતા વેંત ઘરનાં દહીંનું મન.....' ખાટું ' થઈ ગયું.
- પંકિલ દેસાઈ