આપણી જ જવાબદારી
==================================
(૯)
'આપણી જ જવાબદારી' માં અત્રે અહિં હું શિક્ષક તરીકે મારા વિદ્યાર્થીઓ પર કરેલા નાનકડા પરિક્ષણ વિશે વાત કરવા માગું છું.મારે ધોરણ-૧૧ અને ૧૨ નાં વર્ગો લેવાનાં હોઇ દર વર્ષે દરેક બેચને વાતવાતમાં પૂછી લઉં છું કે - કેટલાંનાં ઘરે ભાગવત ગીતા, રામાયણ, મહાભારત કે પુરાણોમાંથી કોઈ પણ એક,બે કે તેથી વધુ ગ્રંથો છે? તો જોવા મળે કે લગભગ બધાં જ વિદ્યાર્થીઓનાં હાથ ઊંચા હોય છે. ક્યારેક એવું પણ જાણવા મળે કે ઘણાખરાંને ઘરે ભાગવત ગીતા, રામાયણ બંને ઉપરાંત અન્ય ગ્રંથ પણ હોય છે. પરંતુ જ્યારે એમ પૂછવામાં આવે કે તમારી પાસે જે ગ્રંથ છે તેને વાંચ્યો કેટલાએ? ...,... બહું દુઃખ સાથે કહેવું પડે છે કે પચાસ-પંચાવન વિદ્યાર્થીઓનાં વર્ગખંડમાં માંડ બે ત્રણ વિદ્યાર્થીઓ એવાં હોય છે કે જેમણે આ ગ્રંથો વાંચ્યા હોય.(ક્યારેક તો આટલું ય પરિણામ નથી મળતું) વળી એમાંથી પણ કોઈકે તો અડધેથી વાંચવાનું પડતું મૂકી દીધું હોય! જો કે આ પ્રશ્ન એક વાલી તરીકે આપણા ઉપર પણ બુમરેંગ જ છે. આપણી પાસે જે ગ્રંથ છે તેને જો આપણે જ નહિં વાંચ્યો હોય તો બાળક પાસે અપેક્ષા રાખવી વ્યર્થ છે; અને જો આમ જ હોય તો તેમની પાસે આદર્શ સંસ્કારોની અપેક્ષા પણ ન રાખવી."સમય નથી..."નું બહાનું એ જવાબદારીમાંથી છટકી જવાનું સાવ સરળ છીંડુ છે. "મારા એક બાળકને ગીતા, રામાયણ વંચાવડાવવાથી શું ઉધ્ધાર થઈ જવાનો..." - એવાં નિરાશાવાદી વલણો ત્યજી કમ સે કમ આપણી જવાબદારી પ્રત્યે વફાદાર રહીએ તો "કાંકરે કાંકરે પાળ બંધાય" જેવી કહેવતને સાર્થક કરી શકાય. - તો પછી એમાં ખોટું શું છે?
બહું સહજતાથી આપણે કહેતાં ફરીએ છે કે "જમાનો બહું ખરાબ છે."- ખરું ને!?
...,..., પણ જમાનો એટલે કોણ??
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.