ગીત: હરિ મળવા આવે તો હવે સારું
કવિ શ્રી ઇલિયાસ શેખ
હરિ મળવા આવે તો હવે સારું,
ફરી આંખે છવાયું છે અંધારું.
બપોર ટાણે યમુનાજીના શ્યામલ રંગે ડૂબ્યા,
સંધ્યા ટાણે મોરપીંછ લઇ રાધા સંગે ઉડ્યા.
અમે એકલાં વાટ નીરખતાં અહીં-તહીં રઝળ્યા.
ફળસ્વરૂપે આંખે આવ્યું પૂર ખારું – ખારું,
હરિ મળવા આવે તો હવે સારું,
ફરી આંખે છવાયું છે અંધારું.
અધરાતે રંગરસિયા વહાલાં ગોપી સંગે ઝૂમ્યાં,
મોસૂઝણે અમે તો કેવળ પાવન પગલાં ચૂમ્યાં.
રમણ-રેતને હેત કરીને અમે તો મારગ ભૂલ્યાં.
ફળસ્વરૂપે પગના તળિયે વકરી ગયું છે ઘારું.
હરિ મળવા આવે તો હવે સારું,
ફરી આંખે છવાયું છે અંધારું.