માફ કરજો હું કોઈ પણ ભાષાનો વિરોધી નથી પણ
કઈ કેટલા વર્ષોથી હૃદયમાં સુશુપ્ત અવસ્થામાં પડેલ અંગારને આજે ફરી હવા મળતાં તે પ્રજ્વલિત થઈ અને ફરી આજના કહેવાતા ઉચ્ચ શિક્ષણ ઉપર મારી વ્યથા ઠાલવવાનું મન થઈ ગયું અને એ પણ ચતુર કહેવાતી આપણી ગુજરાતી પ્રજાની અંગ્રેજી ભાષા તરફની આંધળી દોડ જોઈને મન વ્યાકુળ થઈ ગયું. ખબર નહીં પણ આ 26 અક્ષરની ભાષાએ શું ઘેલું લગાડ્યું છે કે આજે આપણી અથાગ સમુદ્ર જેવું શબ્દ ભંડોળ ધરાવતી ગુજરાતી ભાષાને સાવ કોરાણે મુકી દીધી અને આજના યુવા વર્ગની વિચારસરણીને સીમિત કરી નાખી છે, અને સંસ્કાર વગરનાં ભણતરે આજે એવી સ્થિતિ ઉતપન્ન કરી છે કે આજના કેહવાતા ચલચિત્ર ગૃહોમાં જયારે દેશનાં માનમાં રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે તો પહેલાં સૂચના આપવામાં આવે છે કે રાષ્ટ્રગીત ચાલુ થાય તો તેનાં માનમાં જગ્યા ઉપર ઊભાં થવું અને આમ જો લખવું પડે તો એ આપણાં શિક્ષણની નિષ્ફ્ળતા પુરવાર કરે છે સાહેબ ... પરિણામે આજના યુવા વર્ગને "સખી" અને "ગર્લફ્રેન્ડ" જેવા શબ્દોમાં શું તફાવત હોય છે? તે જ ખબર નથી.. સાહેબ..., કારણ કે, સખીના સંબંધને અને સખાના કર્તવ્યને સમજવા હોય તો પહેલાં શ્રીકૃષ્ણને જાણવાં પડે અને શ્રીકૃષ્ણને જાણવાં હોય તો એને આપણી સનાતન સંસ્કૃતિને વાગોળવી પડે સાહેબ... અને એ આજનો યુવા વર્ગ ત્યારે જ સમજી શકે જયારે એમને શિક્ષણની સાથે સંસ્કાર અને પરંપરાઓ નું જ્ઞાન પણ આપવામાં આવે.
પરંતુ, આજનું શિક્ષણ આજના યુવા વર્ગને શિક્ષિત કરી શકે... સાહેબ.. પણ સુ-શિક્ષિત નહીં, અને આનું પરિણામ આપણે જોઈ શકીએ છે કે, આજનો શિક્ષિત યુવા વર્ગ લેશમાત્ર ભાર પડે તો પોતાના જીવનથી વિચલિત થઈ ભાંગી પડે છે.
હું પૂછું છું આજના આ સભ્ય સમાજને કે,
તમે એવું શિક્ષણ આપવા માગો છો જે તમને મક્કમ મનોબળ પણ ના આપી શકે?
વિષમ પરિસ્થિતિઓમાં ફરી ઊભું થવાની તાકાત પણ ના આપી શકે?
આજનું શિક્ષણ ફક્ત ભણેલા ગણેલા અને કહેવાતી ડિગ્રીવાળા મજુર જ પેદા કરી શકે છે અને આ કડવું છે પણ સત્ય છે અને એનો સ્વીકાર મને-કમને આ સભ્ય સમાજને સ્વીકારવો જ પડશે.
અને એટલે જ કહું છું કે જાગો સાહેબ.. હજી પણ સમય છે, સંભાવના પણ છે અને હજી સંસ્કાર અને સંસ્કૃતિના થોડા મૂળ પણ આપણાં રંગસૂત્રોમાં પડેલા છે અને આપણે ગુજરાતીઓ પણ એટલા સક્ષમ છે તો મહેરબાની કરી આપણાં સંતાનોને આપણી માતૃભાષાથી વંચિત નાં રાખો.
અસ્તુ.