અસલી ,નકલી કે પછી કલ્પનાઓની રમત:વેબસીરીઝ
સૂર્યનાં અતિપ્રકાશિત વિસ્તારમાંથી હું મારા અપાર્ટમેન્ટમાં પ્રવેશું છું ને પ્રકાશ ઓછો થતાં મારી આંખો ગૂંચવાય છે અને ધીરે ધીરે ટેવાય છે.સમજીવિચારીને મૂકેલું પગલું જ મને આગળ વધારે છે. નહિં તો પગ ક્યાંક ખોટવાય ક્યાંક ગડથોલું પણ ખાઇ જાય.અદ્લો અદ્લ આવી જ લાગણી મને વેબસીરીઝ જોતા થાય.Brain storming એવી આ સીરીઝોનો ખડકલો મને મૂંઝવે.નેટફ્લિક્સ,એમેઝોન પ્રાઇમ,વુટ...કેટલાં બધા વિકલ્પો.મારા સ્ત્રીસહજ સ્વભાવને અનુલક્ષીને સસ્તુ,સ્વચ્છ અને ઉચ્ચ કક્ષાનું મનોરંજન શોધવાનો પ્રયત્ન કરું પરંતુ મારી આંગળી પ્રત્યેક ચેનલ પર ટ્રેમર થાય ને હું કોઇ એક જગ્યા પર મરજી નામરજી અટકું કે ઢળી પડું .મારે શું જોવું કે જોવું જોઇએ એના બદલે શું જોવા મળશે એ બદલ ભયંકર અનિશ્ચતતા.આ વાદળીઓનાં વરસાદમાં ક્યાંક કરા ક્યાંક ઝરમર તો ક્યાંક કાળો વરસાદ(અપશબ્દોનો)એની કોઇ શાશ્વતી નહિ.
હું દેડકાની જેમ સીરીઝો પર ઠેકડા મારું.સુજીત સરકાર જેવી સ્વચ્છ કોરી પાટી પર લખાતું સંવેદનાઓનું જગત સારી સંભાવનાનાં વિશ્વની આશા જગાવે .કેટલાક ભૂમિતળેના એપિસોડ્સ અંધારાનો કેર વરતાવે.હોલિવુડની લાં.....બી ચાલતી સીરીઝ દાયકાઓમાં વિસ્તરતું,મ્હોરતું ,પછડાતું જગત દેખાડે.એની સામે બોલિવુડની ટચુકડી સીરીઝ કન્ટેન્ટ,એક્સપેન્સ અને ક્વોલિટીમાં ઝીંક ઝીલ્યા કરે.મહદઅંશે નિષ્ફળ રહે.પરંતુ વિવિધ સ્તરના પ્રેક્ષકોને લક્ષમાં લઇ થતું સર્જન ઓગણીસ વીસનાં પ્રમાણથી બનાવવાની મજબૂરી હેઠળ હોય છે.આ એક વિશાળ પડદો એક્ટર્સને પોતાનું કૌવત બતાવવાનું મજબૂત પ્લેટફોર્મ જરુર પૂરું પાડે છે.પરંતુ જીવનને લગતી કેટલીક ચીજો સાદડી તળે છુપાયેલી જ યોગ્ય હોય છે. જાહેરમાં એ વિસ્ફોટ જ કરે છે.ભારતમાં ટેલિવિઝન એ લિવિંગરુમનું ઘરેણું છે.એથી પૂર્ણ પરિવાર સાથે બેસી આ મનોરંજન માણી શકતો નથી.મનોરંજનવો છેદ ઉડાડવો તેના પ્રત્યેનો અભિગમ બદલવો કે બધું સમય પર છોડવું એ જે તે જ નક્કી કરે.
-મનીષા