પ્રિય બાળપણ,
તું હજી પણ આંખના ખૂણે ક્યારેક ભેજ થઈને ડોકાય છે. મારા હાથ ખિસ્સામાં લખોટીઓ શોધે છે. મારું ચિત્ત ફરવા માંડે છે ભમરડાની જેમ. બાકસના ખોખાની છાપ હારી જતી વખતે જે દુઃખ થતું હતું તે આજે હજાર બાકસનાં ખોખાં જેટલા પૈસા પળમાં વપરાઈ જાય તોય નથી થતું. એ દુઃખ પણ મીઠું હતું. તું હજી પણ મારી અંદર કાગળની હોડીની જેમ તર્યા કરે છે. હું તને છોડી આવ્યો છું મારા ગામની સ્કૂલમાં, ગામના પાદરે, તળાવના પાણીમાં ઊંચેથી મારેલા એ ભૂસકાઓમાં, શેરીમાં રમેલી રમતોમાં, કબડ્ડીમાં, ક્રિકેટમાં, લખોટીમાં,ગેડી-દડામાં, પકડદાવમાં… પણ હવે તું મારી સાથે પકડદાવ રમી રહ્યું છે. હું તને પકડવા મથું છું, પણ તું હાથમાં નથી આવતું. હું તારાથી ઘણો આગળ નીકળી ગયો છું. ના, એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે તેં મને આગળ ધકેલી દીધો છે.