Gujarati Quote in Blog by Nirav Patel SHYAM

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમમાં કોઈ હિસાબ હોય ખરો ?

હું કહું છું, ના.. પ્રેમ બેહિસાબ જ હોય. પ્રેમમાં એકબીજાને આપેલા સમય, સાથ અને મૂલ્યનો કોઈ હિસાબ ના હોય, જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે એકબીજાની ચિંતા હોય, એકબીજા માટે લાગણી હોય એટલે જ તો પ્રેમને રાધા કૃષ્ણ સાથે સરખાવવામાં આવ્યો છે. જેમ કૃષ્ણ અને રાધાનું મિલન ના થયું હોવા છતાં એ બંનેનો પ્રેમ અમર છે એની પાછળનું કારણ પણ એજ છે કે કૃષ્ણએ રાધાને આપ્યું અને રાધાએ જે કૃષ્ણને આપ્યું એ બધાની ગણતરી ક્યારેય કરી નથી, ના એ બંને વચ્ચે એ વાતને લઈને ક્યારેય કોઈ મનદુઃખ આવ્યું, બંનેએ એકબીજાને નિઃસ્વાર્થ ભાવે ચાહ્યા અને નિઃસ્વાર્થ ભાવે બંને અલગ પણ થઈ ગયા...!!! ના ક્યારેય એકબીજાને દોષ આપ્યો, ના એકબીજા પ્રત્યેનો પ્રેમ ઘટ્યો !!

પરંતુ આપણે શું કરીએ છીએ ? જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે એકબીજા માટે કંઈપણ કરી છૂટીએ, અને જ્યારે અલગ થઈએ ત્યારે એકબીજાને કઈ કેટલુંય સંભળાવી દેતા હોઈએ છીએ, એકબીજા માટે કરેલા કાર્યોની ગણતરી કરવા બેસીએ છીએ, મેં તારા માટે આમ કર્યું, તેમ કર્યું, આ લાવ્યો, તે લાવ્યો એવી કઈ કેટલીય વાતો સંભળાવી દેતા હોઈએ છીએ અને એનું પરિણામ શું આવે છે ? એકબીજાના દિલમાં નફરત જન્મવા લાગે છે, એકબીજા વચ્ચે એક એવી દીવાલ ચણી લઈએ છીએ જેને તોડવી પણ સમય જતાં મુશ્કેલ બની જાય છે.

તો આવા સંબંધને તમે પ્રેમનું નામ કેવી રીતે આપી શકો ? આ તો બસ આકર્ષણ હતું. આ તો પ્રેમ નહીં પરંતુ સોદો હતો, કારણ કે સોદામાં જ ગણતરીઓ થાય છે, પ્રેમમાં નહિ !!!
તો મનમાં પ્રશ્ન થાય કે પ્રેમ કેવો હોવો જોઈએ ? અને ઘણાં લોકોનો પ્રશ્ન એમ પણ હશે કે કોઈ એક તરફી નિઃસ્વાર્થ પ્રેમ હોય અને બીજી તરફ ફાયદાનો સંબંધ તો ?
હું માનું છું કે પ્રેમમાં ક્યારેય કોઈ સ્વાર્થ ના હોય, એ નિઃસ્વાર્થ જ હોય, જેમાં સ્વાર્થ જોઈને તમે કરો છો એ પ્રેમ છે જ નહીં... ભલે પછી એ પ્રેમ એક તરફી હોય કે બંને તરફી. તમે જો કોઈને ખરા દિલથી ચાહો છો તો સ્વાર્થને તમારી વચ્ચે ક્યારેય આવવા ના દેશો, ક્યારેક આવો નિઃસ્વાર્થ પ્રેમ કરવામાં જ તકલીફો વધુ થતી હોય છે, રાહ પણ વધુ જોવી પડતી હોય છે, મુશ્કેલીઓ પણ અઢળક આવતી હોય છે, પણ આ બધું જ સાચા પ્રેમની પરીક્ષા છે. અને એમાં જો તમે સફળ થઈ જશો તો તમારા પ્રેમને તમે જરૂર પામી શકશો... ભલે સામેનું વ્યક્તિ તમારી સાથે કોઈ સ્વાર્થ સાથે જોડાયું હશે પરંતુ તમારા તરફની નિઃસ્વાર્થ ભાવના એના હૃદયને પણ બદલી શકવાની તાકાત ધરાવે છે, હા પણ એના માટે સમય ઘણો વીતી જશે, ધીરજ પણ અઢળક જોઈશું.. કોઈની વર્ષો સુધી રાહ જોવાની તાકાત તમારામાં હોય તો જ તમે સાચા પ્રેમ સુધી પહોંચી શકશો. નહીં તો તમે પ્રેમના સાગરમાં ડૂબકી જરૂર લગાવશો પરંતુ કિનારે જ છબછબિયાં કરીને પાછા આવશો, પ્રેમ દરિયાના ઊંડાણમાં ઉતરવાનું સૌભાગ્ય તમને ક્યારેય પ્રાપ્ત નહિ થાય.... !!!


@નીરવ પટેલ "શ્યામ"

Gujarati Blog by Nirav Patel SHYAM : 111464439
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now