ઊર્મિગીત:- "મન મારું હરખાય...!"
મધુર મધુર શો ને મંદ મંદ,આ વૈશાખી વાયરો વાય;
લહેરાતાં સૌ ફૂલડાં ને નિરખીને મન મારું હરખાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
પૂર્વાકાશનું પરોઢ ફૂટતાં,સૂરજદેવનું તેજ છે રેલાય;
આ કાળરાત્રીએ પ્રસરાવેલો,બધો અંધકાર ઠેલાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
અવની કેરા આ ઉપવન માંહે,સહુ તરુવર લહેરાય;
પર્ણોથી અહીં ટકરાતાં પાનનું,સંગીત મધુર ફેલાય!
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
'ગિરિપિતા'ને છોડીને આવતી,સરિતા ચાલી જાય,
ઉછળતી એની છોળો જોઈને,મન મગ્ન થઈ જાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
આંબાની ઘનઘોર ઘટામાં,રૂડો કોકિલનાદ સુનાય;
ખેતર-શેઢે બેઠું ભાતું ખાતું,કો' નવયુગલ શરમાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
સીમે ચરંતા ગૌધણની ,ત્યાં ઘૂઘરમાળ સંભળાય;
રોતા ઉરની વાતડી કે'તા,કો' બંસીના સૂર વિલાય.
મધુર મધુર શો ને મંદ મંદ આ..(૧)
શાંતરાત્રીમાં આભેથી,ઓલ્યો અમૃતકુંભ ઢોળાય;
ચંદાની એ ચાંદની નિરખતાં "અનામી" નેન ઘેરાય.
®®®®®®®~~~~~~~~~~~~~®®®®®®®®
રચના તારીખ:-૨૭/૫/૨૦૨૦.
રચના સમય:-૯:૦૦થી ૧૧:૩૫pm.