મન, મગજ અને કશ્મકશ....(મનનો મગજ સાથે માર્મિક સંવાદ)
હું ક્યાં તને, મારો સાથ આપવા કહું છું
પતંગિયું બની, વિચારોમાં મહાલતો રહું છું
તું આમ દર વખતે, મારા વિચારનું અપમાન ન કર
કોઈક વાર તો, ગમતું કરવા દેવાનો ઉપકાર કર
આમ ક્યાં સુધી, તારે તાબે થઈને રહું
ક્યાં સુધી, તારી જોહુકમી હું સહું
બુદ્ધિ નો ભંડાર તને પ્રભુએ આપ્યો, એ વાત બરાબર
મતિ નું મિથ્યાભિમાન, હ્રદયમન માટે અન્યાય સરાસર
જગતમાં બધું તારા જ કહેવાથી ન થાય, ધ્યાન રાખ
રુષ્ટ થાઉં ને જગત ભોગવે, તારા કામથી કામ રાખ
પ્રાણ અને પ્રકૃતિ વિના, સૃષ્ટિ સંભવ નથી
મન અને મગજ લડ્યાં તો, પતન અસંભવ નથી
ગૃહયુદ્ધ કરી શા કારણે, શરીર ને વેઠવા દેવું
બંને સુલેહ કરી, અકલ્પનીય કંઈ કરીએ એવું
મગજ વાપરી, ભૌતિક સુખ ની ચરમસીમા વટાવી
ક્યારેક મન માં ઝાંકી, જો આંતરમન ની દીવાલ કુદાવી
આ અનંત હરીફાઈથી, જીવ અને જીવન બંને ગયાં
પ્રભુ એ બનાવેલાં, આપણે આપણાથી જ દૂર થયાં
ઓ મગજ!, તેં તારી બુદ્ધિથી ' માનસ ' વાંચ્યું
મનને પણ મનથી વાંચવા દેવામાં, કેમ કાચું કાપ્યું?
આવ! જુગલબંદી કરી, સમાજમાં એક દ્રષ્ટાંત બનીએ
સહેજ નરમ બની, મુઠ્ઠી ઊંચેરા માનવીને હજી ઉપર લાવીએ
માણસનું નિકંદન નીકળે, એના કરતાં સ્વશુદ્ધ બનીએ
મન-મગજ આપણે, એકબીજાનાં બુદ્ધ અને પ્રબુદ્ધ બનીએ
✍🏽..પંકિલ દેસાઈ