તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ – આકાશે ચડ્યો છું…
જતાં ને આવતાં મારે જ રસ્તે,
બની પથ્થર હું પોતાને નડ્યો છું…
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું…
તમે શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જડ્યો છું…
ખુશીને શોક આશા ને નિરાશા,
નિરંતર એ બધાં સાથે લડ્યો છું…
પરાજય પામનારા, પૂછવું છે,
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
મને ‘શયદા’ મળી રહેશે વિસામો,
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું…
– ‘શયદા’