" લોકડાઉન- એક ગંભીર સમસ્યા "
હવે લોકડાઉનની તો તારીખો ઉપર તારીખો લંબાવાતી જાય છે. શું આવશે આનું પરિણામ કહી શકાય તેમ નથી...!!
કોરોના વાઇરસે એક પછી એક દેશને ભરડામાં લીધું છે.અમદાવાદમાં પણ હજારની સંખ્યામાં કેસ નોંધાતા જાય છે. સરકાર પણ શું કરે,પબ્લિક પણ શું કરે ?
કોરોનાનો કહેર ઉધઇના રાફડાની જેમ રાત્રે ન વધે એટલો દિવસે વધે છે અને દિવસે ન વધે એટલો રાત્રે વધે છે. હવે તો આપણને આ મહામારીમાંથી મુક્ત કરવા ઉપરવાળાના હાથમાં જ છે.
અહીં મેં કોરોના પીડિત એક કુટુંબની, સત્ય ઘટનાને
આધારિત એક વાર્તા લખી છે.
"રાજુ ઉઠ બેટા,આ ફુડપેકેટ આવ્યું છે. થોડું ખાઇ લે "
મમ્મી અનિતાબેને રાજુને ઉઠાડતા કહ્યું.
ગઇકાલનું ઘરમાં કંઇ જ ખાવાનું ન હતું એટલે ઘરના છ એ છ સભ્યો ગઇ કાલના ભૂખ્યા જ હતા. બીજા બધાનું તો સમજ્યા પણ રાજુ સૌથી નાનો હતો એટલે તેની ભૂખ મમ્મી-પપ્પાથી કે મોટા ભાઇ-બહેનથી કોઇનાથી જોઇ જાય તેમ ન હતી.
સુરેશભાઈ રાજુના પપ્પા પાણીપુરીની લારી લઇ ગામમાં ફરતા હતા. કેટલાય દિવસોથી ધંધો બંધ હતો.બે દિકરા અને બે દીકરીઓ અને બે માણસ પોતે એમ છ જણા ઘરમાં ખાવાવાળા હતા.
રોજ કમાઇને રોજ ખાવાવાળા એટલે ઘરમાં એટલું બધું કંઇ અનાજ પણ ભરેલું નહિ. જેટલું ભરેલું હતું તે અત્યાર સુધી ચાલ્યુ હવે તો ડબ્બામાં નામનોય લોટ હતો નહિ અને બરણીમાં તેલનું ટીંપુ પણ હતું નહિ. એક પૈસાની આવક પણ ન હતી, બહુ ખરાબ પરિસ્થિતિ થઇ ગઇ છે.
પાછા પોતે અહીંના રહેવાસી ન હતા, બહારથી આવીને અહીં વસ્યા હતા અને પાણીપુરીની લારી કરી હતી, અહીં ગુજરાતમાં સારો ધંધો ચાલતો એટલે પછી અહીં જ રોકાઈ ગયા હતા. રેશનકાર્ડ ઉપર સરકાર બધાને સહાય આપતી પણ તેમની પાસે ન તો અહીંનું આધારકાર્ડ હતું કે ન તો રેશનકાર્ડ હતું તેથી સરકારશ્રીની સહાય પણ મળતી નહિ.
પત્ની અનિતાબેન દેશમાં પાછા જવા બહુ કહ્યા કરતા પણ ત્યાં જઇને પણ કરવાનું શું એ તો પ્રશ્ન હતો જ એટલે સુરેશભાઈ ત્યાં જવાની " ના " પાડતા હતા. તેમને આશા હતી કે થોડા દિવસો પછી લોકડાઉન ખુલી જશે એટલે બધું બરાબર થઇ જશે. આટલો બધો ટાઈમ બધું બંધ રહેશે અને ભૂખે મરવાનો વારો આવશે તેવી તો તેમણે કલ્પના પણ કરી ન હતી.
કોઈની સામે કોઈ દિવસ હાથ લાંબો કર્યો ન હતો એટલે કોઇની પાસે કશું માંગતા પણ તેમને શરમ આવતી હતી. પણ હવે બે દિવસની ભૂખ ભેગી થઇ હતી. નાનો દિકરો રાજુ જે આંઠ જ વર્ષનો હતો તે સાવ લેવાઇ ગયો હતો એટલે હાથ લાંબો કર્યા વગર છૂટકો ન હતો. તેથી અનિતાબેને સુરેશભાઈને તેમના કોઈ ઓળખીતા હોય તો સીધુ-સામાન થોડુંઘણું અપાવે અને આ છોકરાઓ માટે ફુડપેકેટ વહેંચાય છે તે લઇ આવવા કહ્યું તો આ છોકરાઓ ભૂખે ન મરે.
નાછૂટકે સુરેશભાઈએ એક શેઠ મહેન્દ્રભાઈને વિનંતી કરી કે મને છોકરાઓ માટે.દરરોજ બે-ત્રણ ફુડપેકેટ મળે અને ક્યાંકથી થોડું સીધું-સામાન મળે તો છોકરાઓ ભૂખે ન મરે અને શેઠ મહેન્દ્રભાઈને સુરેશની સાચી પરિસ્થિતી સમજાઇ ગઇ. એટલે તેને બધું સીધું-સામાન ખરીદી આપ્યું અને ફુડપેકેટ રોજ એક ટાઇમ મળે તેવી વ્યવસ્થા કરી આપી. ધન્ય છે આવા માણસોને...
માનવતા જગતનો સૌથી મોટો ધર્મ છે.
જ્યાં સુધી માનવતા જીવે છે ત્યાં સુધી આપણી સંસ્કૃતિ જીવીત છે. આપણે પણ જો શક્તિ હોય તો કોઈ ગરીબને થોડું સીધું-સામાન લાવી આપીએ..
નમસ્કાર 🙏
-જસ્મીના શાહ 'જસ્મીન'