રાવણ વધ, એક પૂર્વયોજિત ઘટના
આપણે માનીએ છીએ એમ શ્રી રામ પોતાની પત્ની સીતા માટે એક હરણને પકડવા જંગલમાં ગયા, હરણને જેવો તીર વાગ્યો, એણે મરતાં મરતાં 'હે લક્ષ્મણ હે લક્ષ્મણ' ની ચીસો પાડી સીતાને ભ્રમિત કર્યા, લક્ષ્મણને પણ સીતાએ ઠપકો આપી જંગલમાં શ્રી રામને શોધવા મોકલ્યા, પાછળથી રાવણ આવીને સીતાને મળ્યો, એમનું અપહરણ કરીને લંકા લઈ ગયો. સીતાને પાછું લાવવા શ્રી રામ લંકા ગયા અને રાવણનો વધ થયો.
એટલે એવું લાગે કે પોતાની પત્નીને બચાવવા શ્રી રામે રાવણને માર્યા.
પણ અહીં એક વાત લડાઈ પહેલાં શ્રી રામ કહે છે કે આ જંગ મારી નથી, આ ધર્મયુદ્ધ છે, સ્ત્રીનાં સમ્માન ને બચાવવા અને ધર્મ આધારિત સમાજની સ્થાપના કરવા આ યુદ્ધ લડી રહ્યા છે.
એટલે શ્રી રામનો જન્મ જ આ ઘટના માટે થયો હોવો જોઈએ, આપણે ઘણી જગ્યાએ શિવ અને બ્રહ્મા એમને નમસ્કાર કરતાં દેખાય છે, એટલે એમને પણ ખબર છે કે આ ફેમિલી ડ્રામા નથી, કે જ્યાં પત્નીની છેડતી થઈ અને પતિએ એક જણને જાનથી મારી નાખ્યા.
શ્રી રામ એટલે વિષ્ણુ અવતાર, જે સૃષ્ટિ પર જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનને જીવો માટે જીવવા યોગ્ય રાખનાર દેવ. એટલે એમને જન્મ પહેલાં જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધતો જોયો અને સૃષ્ટિની બધી શક્તિઓ અધર્મ સામે નમતી જોઈ ત્યારે જન્મ લેવાનો નિર્ણય લીધો હશે અથવા શિવ અને બ્રહ્માએ એમને પોતાના ધૂત તરીકે પૃથ્વી પર મોકલી આપ્યા હશે, સાથે જ પોતાની શક્તિઓ એમને આપવા વિવિધ અનુષ્ઠાન શ્રી રામ પાસેથી પૃથ્વી પર કરાવ્યા હશે.
કૈકઈ કે જે રામને પોતાનાં પુત્ર કરતા વધુ વ્હાલ કરતી, કેમ એકજ દિવસમાં બદલાઈ ગઈ, રામ માટે વનવાસની માંગણી કેમ કરી? કારણ કે એક સચોટ કારણ જોઈએ કે જેથી શ્રી રામ વનવાસ કરે અને ત્યાંથી પોતાના જીવનના ઉદેશયને સાકાર કરે.
અનેક નાના મોટા રાક્ષસોને હરાવી રામ તૈયાર થઈ ગયા મોટા લક્ષ્ય માટે.
સીતાનું અપહરણ કરી રાવણ ત્રિદેવોએ ગોઠવેલા માયાજાળમાં ફસાયો. તેઓ ઇચ્છતા હતાં કે રાવણ ત્યાં આવીને અપહરણ કરે. જેથી શ્રી રામને રાવણ વધ માટે સચોટ કારણ મળે.
શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હોઈ નાના અમથા કારણ માટે કોઈને મારે નહીં , એટલે મનુષ્ય રૂપમાં પોતાની પત્નીનું અપહરણ એક નિમિત્ત બન્યું અને પછી હનુમાન , સુગ્રીવ , નલ, નિલ, જામવંત જેવા મહારથીઓને પોતાનું કૌવત બતાવવાની તક મળી.
આ બધું જ પૂર્વયોજિત ઘટના હતી, રાવણને મારવું જરૂરી હતું જેથી બીજા જીવોને સતકર્મ પર વિશ્વાસ બેસે અને લોકો દુરાચાર છોડીને સદાચાર તરફ વળે.
અને છેલ્લે, સદાચારી માનવ સમાજને કૈંક આપવા માટે પોતાનું ઘણું બધું ખોઈ દેવા ની તૈયારી દાખવે છે, જે શ્રીરામ ના જીવનથી શીખી શકીએ.
-મહેન્દ્ર શર્મા 12 એપ્રિલ 2020