ચૈત્રી નવરાત્રિ કથા સત્સંગ
તક્ષા કરતાં અપેક્ષા વધી જાય ત્યારે પ્રસન્નતા રહેતી નથી.
-મોરારીબાપુ
તપ બલ રચઇ પ્રપંચ બિધાતા।
તપ બલ બિષ્ણુ સકલ જગત્રાતા।।
તપ બલ સંભુ કરહિ સંહારા।
તપ બલ સેસ ધરહિ મહિ ભારા।।
માનસની ઉપરોક્ત ચોપાઈના આધારે પૂજ્ય બાપુએ આજના હરિકથા સત્સંગનો આરંભ કરતાં કહ્યું કે - "તપસ્યાનાં બળથી સૃષ્ટિના નિર્માતા બ્રહ્મા, સૃષ્ટિનું સર્જન કરે છે. આ સૃષ્ટિના પાલનનું દાયિત્વ ભગવાન વિષ્ણુને સોંપાયું છે. વિષ્ણુ પણ બ્રહ્મા દ્વારા નિર્મિત આ સુંદર સૃષ્ટિનું સુચારુ રૂપથી પરિપાલન તપનાં બળથી જ કરે છે. 'પણ જે નિર્મિત થાય છે, તે ક્યારેક ને ક્યારેક નષ્ટ પણ થાય' - એ નિયતિનો ક્રમ છે. અને એટલે જ, જ્યારે કંઈક એવી સ્થિતિ નિર્માણ થાય, ત્યારે કેટલીક વસ્તુઓનો સંહાર પણ આવશ્યક બની જાય છે. એ દાયિત્વ ભગવાન શંકરને સોંપાયું છે."
પૂજ્ય બાપુએ કહ્યું કે નિર્માણ હોય, પાલન હોય, કે નિર્વાણ હોય - તેનાં મૂળમાં તપનું બળ હોવું જોઈએ. પ્રવર્તમાન કાળમાં આપણે આરોગ્યની એક નવી દુનિયા પુન: નિર્મિત કરવાની છે. આપણે એક એવી સૃષ્ટિ સર્જવાની છે, જ્યાં -
सर्वे सन्तु निरामया:। - એવી સુંદર સૃષ્ટિનું નવસર્જન કરવા માટે આપણે પણ બ્રહ્માની જેમ તપ કરવું પડશે. તપ-નિર્મિત આ સૃષ્ટિનું સુંદર રીતે પાલન કરવું હશે, તો ભગવાન વિષ્ણુની જેમ તપ કરવું પડશે. અને અંતે જો એનું નિર્વાણ કરવું હશે, તો પણ ભગવાન મહાદેવની જેમ તપ કરવું પડશે."
પૂજ્ય બાપુએ પોતાનું ગુરુમુખી વચનામૃત પીરસતા જણાવ્યું કે - "તપના ત્રણ પ્રકાર છે - તામસી, રાજસી અને સાત્વિકી. ત્રણેયનાં પરિણામ અલગ અલગ છે. પરંતુ મને લાગે છે કે આજના સમય-સંદર્ભમાં તપ સાત્વિક હોવું જરૂરી છે. આવા સાત્વિક તપથી આપણે ત્રણ વસ્તુ પ્રાપ્ત કરી શકીશું.
એક તો, પ્રમાણિકતા. સાચી તપસ્યાનું ફળ છે - હૃદયમાં પ્રમાણિકતાની સૃષ્ટિનું સર્જન થવું.
બીજું ફળ છે, પવિત્રતા.
જે પ્રમાણિકતા આપણી ભીતર પ્રગટ થઈ હોય, એનું પૂર્ણ પણે પરિપાલન થતું હશે, તો આપણી ભીતર પવિત્રતા પેદા થશે.
જો આદમીના કંઠમાં કફ હશે, તો એનો સ્વર બરાબર નહીં નીકળી શકે. પણ જેવો કફ દૂર થશે, એવો જ સુંદર સ્વર નીકળવા લાગશે. એ જ રીતે આપણે પ્રમાણિકતાની સૃષ્ટિ નિર્માણ ન કરી શક્યા, એટલે આપણે ભીતરી સૃષ્ટિમાં પવિત્રતાનું ફળ પણ ન પામી શક્યા! તપનાં બળથી આપણે પવિત્રતાને અર્જિત કરી શકીએ.
મને લાગે છે કે એકવાર પ્રમાણિકતા આવી જાય, પવિત્રતાનું પરિપાલન થઈ જાય, પછી આપણા જીવનમાં આઠે પ્રહર પ્રસન્નતા રહી જશે!!
- આમ સાત્વિક તપસ્યાના પ્રભાવનું ત્રીજું પરિણામ પ્રસન્નતા છે. જગદ્ગુરુ શંકરાચાર્ય ભગવાન કહે છે કે -
*प्रसन्न चित्त परमात्म दर्शनम्।*
ચિત્ત પ્રસન્ન હોય, તો જ પરમાત્માની અનુભૂતિ થાય છે.
*આપણામાં પ્રસન્નતા આવવા સામેની બાધા છે - તક્ષાથી વધારે અપેક્ષા.આપણી અપેક્ષાઓ- આપણી કામનાઓ- આપણી પવિત્રતાને ટકવા દેતી નથી! "