નાથીમાએ હાથની છાજલી કરીને આશ્રમમાં પ્રવેશેલી છોકરી તરફ જોયું. દેખાવે છોકરી નમણી હતી પણ તેની આંખો જુદું કહી રહી હતી.
નાથીમાએ તેને સાથે લાવનાર કુંદાને પુછ્યું,"શીદ લાવી છે આને?" કુંદાએ કહ્યું,"દુઃખી છે, તેથી સાથે લાવી છું." નાથીમા તાડુકી ઉઠ્યા,"મેં આશ્રમ દુઃખીયારી સ્ત્રીઓ માટે નહીં, પણ જીવનમાં ઝઝુમી શકનાર પણ બેસહારા થઈ જનાર સ્ત્રીઓ માટે બનાવ્યો છે. એઈ છોકરી, બોલ શું કર્યું છે?" નાથીમાની આંખોએ તેને પારખી લીધી હતી.
વિમળાએ કહ્યું,"નશાબાજ ધણી અને લાલચુ સસરાએ મારી રાતના સોદા કરવાનું નક્કી કર્યું એટલે વાઢીને આવી છું." નાથીમા પોતાની જગ્યાએથી ઉભા થયા અને કહ્યું,"શાબાસ." આજે તેમના પછી આશ્રમ સંભાળી શકનાર અને બીજી સ્ત્રીઓને રસ્તો દેખાડી શકનાર નવી નાથી મળી ગઈ હતી.તેમના પછી આશ્રમનું શું? એવી ચિંતા મટી ગઈ હતી.
લેખન : જ્યોતિન્દ્ર મહેતા