ઊડવાની અદમ્ય ઈચ્છા છતાં
હું જાતે જ મારી પાંખો
સંકેલી પુરાય જાઉં છું,
ઘર સમાજ નામના પિંજરામાં !
તરવામાં પણ માહિર છું છતાં
શરીરે મણ મણના
બંધનો બાંધી બેસી જાઉં છું,
ઇચ્છા સાગરને તળિયે !
ખુદ રૂપાળી છું, મગરૂર છું
અને પગભર પણ છું છતાં
સર્વ કલાઓએ સંકેલી લઈ
ભરમાતી રહું, પ્રેમની મોહજાળમાં !
પણ હું પરાજીતા નથી.તેથી જ....
જ્યારે આકાશની અનંતતા પુકારે,
મનની ગહનતા તડપાવે કે,
મનુજ ગરિમા માથું ઉંચકે.
ત્યારે સર્વે બંધનો તોડી
કરી બેસુ છું બળવો પોતાની
કે પોતાના ની સાથે
ને ત્યારે ત્યારે, એક નવલું રૂપ ધરી
હું ફરી પ્રગતું છું ખુદમાં. આત્મવિશ્વાસ ની આભા થકી !
હા, હું સ્ત્રી છું....