#નિયતીની નજરે
આ દુનિયામાં રોજ કેટલા બધાં ફૂલો ખીલે છે. એ બધા કોઈ આવીને એમના વખાણ કરે એ અપેક્ષાએ તો નથી જ ખિલતા! એ ફૂલ તો બધાને એક સમાન એમની સુગંધ વહેંચે છે, કોઈ વ્યક્તિને જોઈ ફૂલો ઝાંખા પડી ગયા એવું સાંભળ્યું ક્યારેય? તમે જો એ ફૂલોની મધુર સુગંધ ના માણી શકો કે એના સુંદર રંગ ના જોઈ શકો તો વાંક તમારો છે એ ફૂલોનો નહીં. એ ફૂલોને એની કદર કરનાર ક્યાંક ક્યાંકને મળી રહે ત્યાં સુધી માનજો કે આ દુનિયામાં ઈશ્વર છે!
એક દિવસ મને થયું ચાલ કવિતા લખું. મેં ફૂલો ઉપર લખ્યું, ચાંદ-તારા ઉપર કવિતા રચી અને પછી અચાનક જે શબ્દો મનમાંથી બહાર આવતા ગયા એમને ટાઇપ કર્યા. મારી પાસે ટોટલ ત્રણ કવિતા હતી. એ ત્રણેમાંથી બેસ્ટ કઈ? ના ફૂલ વાળી ના ચાંદ-તારા વાળી, સૌથી સુંદર કવિતા રચાઈ એ હતી તમારા વાળી. હા એ હતું એક પ્રેમકાવ્ય. એને કાવ્ય કહેવાય ના કહેવાય મને એનાથી ફરક નથી પડતો મારા દિલમાંથી શબ્દ રૂપે વહી આવેલી લાગણીને તમે સમજી શક્યા બસ એટલું જ ઘણું છે, આગળ કહ્યું એમ ફૂલોની સુગંધ માણવાનું દરેકનું નસીબ નથી હોતું!
કોઈ મને પૂછે, “આકાશમાં ભર બપોરે ચમકતો સૂરજ તમે જોયો છે?" અને હું જવાબ આપુ છું, હા કેટલીય વખત જોયો છે. હવે તરત બીજો સવાલ આવે છે, “એ સૂરજ જેટલું તેજસ્વી આ દુનિયામાં કોઈ નહીં હોય, ખરું ને?” હું મલકાઇ ઉઠું છું, સૂરજ હશે તેજસ્વી એની ના નથી કહેતી પણ સૌથી વધારે તેજ મેં જોયું છે કોઈની ઉદાસ આંખોમાં! હું હંમેશા વિચાર કરું છું કે એ આંખો હસતી હોય ત્યારે કેવી લાગતી હશે. હજાર સૂરજ પણ એના તેજ આગળ ઝાંખા ના પડી જાય એટલે જ કદાચ નિયતિ એને હસવાની ઘડીઓ તોળી તોળીને આપે છે! (જો આ લાઈન વાંચીને તમે હસી પડ્યા હોં તો એક સેલ્ફી લઇ જ લો... શી ખબર કોઈ તમારી આંખોમાં એ તેજ જોવા મથી રહ્યું હોય! 😅)
કોઈ મને કહે, આ દુનિયામાં સૌથી ખતરનાક વસ્તું આગ છે. જે જે એની લપેટમાં આવે એ બધું ભસ્મીભૂત કરી નાખે. જેની પાસે જાય એને એની જાળ લાગ્યા વગર ના રહે. હું તરત જ વળતો જવાબ આપતી હોઉં એમ કહું છું, ફરી તમે ખોટા છો! આ દુનિયામાં સૌથી ખતરનાક વસ્તું છે લાગણીઓ! જે જે એની લપેટમાં આવી જાય ધરમૂળથી બદલાઈ જાય. એ ફક્ત દઝાડતી જ નથી શાતા પણ આપે છે. કોઈના બે શબ્દો, એમની કહેલી બે વાત તમારા અંતરને છેક ઊંડે સુધી સ્પર્શી જાય અને તમારા હ્રદયમાં જાણે આપોઆપ સ્વયંભૂ દીવો પ્રગટયો હોય એમ ચારે બાજુ અજવાળું પથરાઈ જાય એવી તાકાત આગમાં ખરી? બહારનો અગ્નિ તમારી આંખોને અજવાળું આપી શકે પણ તમારા અંતર મહી પ્રગટેલો એક નાનકડો દીવો તમને આખા ઝળાહળા કરી મેલે...અને એ તાકાત છે લાગણીઓમાં, નિસ્વાર્થ પ્રેમમાં!
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏