સફળતા કે નિષ્ફળતાની ચિંતા છોડી માત્ર કર્મ કરો
સિદ્ધયસિદ્ધયોઃ સમઃ
ભૂત્વા સમત્વમ યોગઃ ઉચ્ચતં
અર્થ :
“ હે ધનંજય, કર્મના કર્તાપણાનો ત્યાગ કરીને સફ્ળતા નિષ્ફ્ળતા વિશે સમબુદ્ધિ રાખીને કેવળ ઈશ્વરપરાયણ કર્મો જ કર, કેમ કે સમતા એ જ યોગ છે.” આ શ્લોકમાં ભગવાને અર્જુનજીને જે સમજણ કે આદેશ આપેલ છે તે નીચે મુજબ છે, કર્મના કર્તાપણાનો ત્યાગ કરવો એટલે કે આ કર્મ હું કરું છું કે મારા લીધે જ થાય છે તેવો ભાવ ન રાખવો, કર્મનું શું ફ્ળ મળશે ?
સફ્ળ થવાશે કે નિષ્ફ્ળ થવાશે ? તેની કશી ચિંતા કર્યા વિના બંને પરિણામને સરખાં જ ગણવાનાં છે. બંને પરિણામ માટે સમત્વ અપનાવવાનું છે. સફ્ળતા મળે તો હરખાઇ જવું નહીં ને નિષ્ફ્ળતા મળે તો નિરાશ થવું નહીં. જે થયું તે ઈશ્વરની ઇચ્છાથી થયું તેમ માનવું,
ઈશ્વરપરાયણ કર્મો એટલે કે ઈશ્વરને ગમે તેવાં જ કર્મ કરવાં. ઈશ્વરને ગમે તેવાં કર્મ તો માત્ર અને માત્ર લોકકલ્યાણનાં જ હોઇ શકે. પરોપકાર ઇશ્વરને હંમેશા પ્રિય રહ્યો છે. તમે બીજાનાં સુખમાં સહભાગી નહીં બનો તો ચાલશે, પણ બીજાં દુઃખમાં સાચા સહભાગી બનવું જોઇએ. સાચા સહભાગી એટલે કે ખરેખર બીજાંનુ દુઃખ જોઇને દુખી થતાં લોકો.
આજના સમયે બીજાનું દુઃખ જોઇને ખુશ થતાં લોકોની તંગી નથી, પણ ઇશ્વરને ગમતાં રહેવું હોય તો બીજાને મદદ કરો, પરોપકાર કરો. અને બીજાંની તકલીફ દુર કરતાં રહો.
સમતા એટલે કે સમાનતા રાખવી તે પણ એક પ્રકારની યોગની જ પ્રક્રિયા છે. યોગનો અર્થ થાય છે જોડાણ, જોડાવું – તો પ્રભુ સાથેના જોડાણને યોગ કહેવાય છે. સાત્ત્વિકતા તરફ જે કર્મ લઇ જાય તે યોગ કહેવાય. ચાલો, પ્રભુએ આપેલા આદેશ અનુસાર ફ્ળની અપેક્ષારહિત સમતા ધારણ કરીને કર્મ કરીએ.