શિયાળાની સવારની શીતળતા કે વૈશાખી વાયરાની અગ્નિ સેરો છૂટતી હોય... વર્ષાની કે દરિયા-નદી કિનારાની સાંજ હોય આમ કુદરતની બધી રચના મનોહર હોય છે. પરંતુ કુદરતની બધી રચનામાં એક અવર્ણનીય રચના છે “સાંજ” જે નિહાળવાની સાથે અનુભૂતિ કરાવનારી હોય છે..
સાંજ પશુપક્ષી થી માનવી સુધી બધાને આનંદ અને રોચક આપે છે. સાંજ પડતા જ પક્ષી મીઠો રણકાર કરતાં માળામાં પાછા ફરે છે તો ખેડૂત પોતાના પશુને લઈને ખેતરથી ઘરે પાછો ફરે છે. નિર્દોષ બાળક તેના પિતાને નોકરીથી શું લઈને આવશે તેની રાહ જોઈ રહ્યા છે. સ્ત્રી સ્કુલેથી પરત ફરતા બાળકની અને પતિની પ્રતિક્ષા કરે. પ્રેમી તેની પ્રેમિકાને મળવા આતુરતાથી નવરંગી સંધ્યાની રાહ જોવે છે અને સાંજ પડતા જ બંને એકબીજાને મળી રળિયામણી સાંજનો અનુભવ કરતાં એકબીજામાં ખોવાય જાય છે. આમ સોળેકળા એ ખીલી ઉઠેલી સાંજ અનેક આંનદ ખુશીનો અવસર લઈને આવતી રહે છે.
આપણે મેઘધનુષી વર્ષાની સાંજ, નદી કિનારાની સાંજ, ઢળતી સંધ્યા આમ અનેક વિષયો પર વાંચ્યું અને અનુભવ્યું હશે પરંતુ ક્યારે શિયાળાની સાંજ વિશે અનુભવ કર્યા ખરો ?????તો આવો આજે શિયાળાની સાંજને સ્પર્શી અને એક નવી દ્રષ્ટિએ નિહાળી.
જેમ જેમ સૂર્ય પશ્ચિમમાં ઢળે છે તેમ તેમ સાંધ્ય સોંદર્ય ખીલે છે. શાંત વાતાવરણમાં ઠંડીની સુવાસ પથરાય છે અને ભવ્ય સૂર્યના સોંદર્ય અત્યંત દર્શનીય લાગે છે.અને જોત જોતામાં જ આકાશ વિવિધ રંગોથી રંગાઈ જાય છે અને સૂર્ય ઠંડીની ઝાકળતામાં છુપાઈ જાય છે અને સુર્યાસ્ત થાય છે.
સુર્યાસ્ત થતાની સાથે જ પાછા ફરતાં પક્ષીના કલરવ;પશુઓના ધણ અને તેના ઘૂઘરાનો મીઠો રણકાર, વાહન વ્યવહારનો ઘોંઘાટ, શહેર હોય કે ગામડું મસ્જીદમાં પોકારતી બાંગ..મંદીરમાં વાગતા શંખ,ઝાલર અને નગારાનો નાદ, ટ્રેનના પાવાનો અવાજ તો મિલોના ચીમ્નીઓનો શોર આમ અનેક વસ્તુઓના અવાજનો સ્પર્શ કરાવતી સાંજ એટલે શિયાળાની શીતળ અને આહલાદક સાંજ. જે સર્વત્ર નીસબ્દધતા વ્યાપીને ઉષ્માપૂરે છે.
-દર્શના ભવ્ય રાવલ