કાલે મારી બાજુમાં રહેતા એક આંટીએ જણાવ્યું કે,
“નિયતી તારો છોકરો કેવું કરે છે! રોજ રોજ પેલા ભિખારી છોકરાને ચોકલેટ, બિસ્કિટ, કેક એવું બધું આપે છે. એ લોકોને તો આદત પડી ગઈ છે, માંગીને ખાવાની. કામ કરતાં જોર આવે એટલે માગવા નીકળી પડે. મેં એ છોકરાને કહેલું કે, આ વાડો વાળી આપ તો ખાવા આપુ, તે ના પાડી દીધી બોલો ! મેંય તે પછી રાતનું શાક ખીચડી પડેલા એ ગાયને ખવડાવી દીધું. મૂંગા પશુના આશીર્વાદ તો મળે!”
આંટીની વાત સાંભળીને મને થોડો ગુસ્સો તો આવ્યો પણ, ચેક કર્યા વગર છોકરાને ટોકવાનું મને યોગ્ય ન લાગતાં હું ચૂપ રહી અને નજર રાખી.
નવ વાગે અમારા ગેટ પર કોઇકે હળવેથી જાળી ખખડાવી, મેં જોયું કે મારો નાનકડો દીકરો જે હજી ઊંઘતો હતો, રજાઈને ધકેલી બહાર ભાગ્યો, એક ડોકિયું બહાર કરી તરત અંદર આવ્યો અને કિચનમાં જઈ કંઇક લઈ બહાર ભાગ્યો...
હવે હું બહાર ગઈ. ત્યાં ગેટની બહાર એક સાત આઠ વરસનો છોકરો ઊભો હતો, ફાટેલી ચડ્ડી, નાનકડી ટીશર્ટ પહેરેલો, ગંદો અને ધ્રૂજતો ! મારા દીકરાએ એને પાર્લેજી બિસ્કિટનું એક પેકેટ આપ્યું. પેલો હસ્યો, સામે મારો દીકરો પણ હસ્યો અને એ અંદર આવવા પાછળ વળ્યો કે દરવાજે ઊભેલી મને જોઇને અટકી ગયો...
“એને ભૂખ લાગી છે એટલે મેં બિસ્કિટ આપી. એ બિસ્કિટ મને નથી ભાવતી. પડી પડી ખરાબ થઈ જાય એના કરતા જે ભુખ્યો હોય એને આપવી જોઈએ ને!" ક્યારેય સામે જવાબ ના આપતો મારો દીકરો આંખો નીચે નમાવી આટલું કહી અંદર ચાલ્યો ગયો.
એતો ઘરમાં જતો રહ્યો, હું કંઈ ના બોલી. સામે પેલો છોકરો હજી ઊભો હતો. સાવ નબળો, અશક્ત. એને જોઈને જ લાગે કે એ કેટલાય દિવસથી પેટ ભરીને જમ્યો જ નહિ હોય... મેં એને પૂછ્યું રાતનું થોડું ખાવાનું પડ્યું છે, આપુ. એણે માથું હલાવી હા પાડી. આગલી સાંજની થોડી ભાજી અને પાંવ બચેલા પડ્યા હતા. મેં ફટોફટ એને માઇક્રોવેવમાં ગરમ કર્યા અને એ છોકરાને આપ્યા...પાંચ મિનિટ પણ પૂરી નહિ થઈ હોય અને એ છોકરો ચાર પાઉં અને ભાજી ખાઈ નવરો થઈ ગયો. પાણી માગ્યું. મેં આપ્યું અને એ પાણી પીને જતો રહ્યો...
સામેવાળા આંટી પાછા બહાર આવેલા. એ કાંય બોલ્યા તો નહીં, મારી સામે જોઈને જરાક મોઢું બગાડ્યું અને અંદર ચાલ્યા ગયા. મને એમના શબ્દો યાદ આવી ગયા. “ નિયતી તારો છોકરો કેવું કરે છે...રોજ પેલા ભિખારીને...”
મનમાં થયું મારો દીકરો ખૂબ સારું કરે છે, ભલે એને અબોલ જીવના આશીર્વાદ ન મળે...મારા અને ઈશ્વરના આશીર્વાદતો મળશે જ !
#Niyatikapadia .