એક આહલાદક સવારે ઘરની સામેના વૃક્ષ પરથી સંભળાતા પંખીઓના કલરવ તરફ તને ઈશારો કરતાં મેં કહેલું....'પંખીઓની દુનિયા પણ કેવી અજબ છે નહીં?? કેવી સમજૂતીથી બંને સંપીને તણખલા લાવે અને મસ્ત માળો બનાવે . ન કોઈ પૂજા..ન કોઈ હવન..કે ન શાસ્ત્રોક્ત વિધિ... શું એને કોઈ ગ્રહો...કોઈ પિતૃ...કે કોઈ આસુરી શક્તિ નહિ નડતી હોય??'
....ને તેં એક મીઠી મુસ્કાન સાથે કહેલું...'એને કોઈ જ વિધિની જરૂર નથી પડતી અને એને કંઈજ નથી નડતું કેમ કે એમણે ગુથેલાં માળામાં બન્નેનો સહયોગ,ચીવટ,કાળજી,આત્મીયતા અને બંનેનું ભવિષ્ય હોય છે. માદા પંખી નથી કહેતું કે ઘર બનાવો પછી આવું...ખાવાનું એકઠું કરો તો સંસાર માંડું...તેઓ જ "સહજીવન" નો અર્થ સાર્થક કરે છે'...
ને હું તને માનપૂર્વક જોઈ રહેલી...મને મારા પર જ ગર્વ થયેલો કે હું કેટલી ખુશકિસ્મત છું કે મારું ભાવિ તારી સાથે જોડું છું....
ને છલકતી આંખોએ મેં તને વચન આપેલું....'પરસ્પરના સપનાંના તણખલા લાવી આપણે પણ સંબંધોનો માળો રચીશું'...
...'સહજીવનના હવનમાં અહમને હોમીને,વિશ્વાસના ફેરા ફરીશું....આપણને પણ પછી કઈ નડશે નહીં.. બસ જડશે જ....પ્રેમ,લાગણી,વફાદારી,જવાબદારી અને એ બધાથી રચાતો મજબૂત અને અદભુત સંબંધ'....
....હા એ સપનું હજી જીવે છે....ને જ્યાં સુધી આ સામેના વૃક્ષ પર પંખીઓ કલરવે છે ત્યાં સુધી એ જીવશે....
તું આવીશ ને???