ધિક્કારતા'તા જેને નકામાના નામ પર,
બેસી ગયો છે ગાદીએ રાજાના નામ પર.
.
એનો બળાત્કાર થયો દુનિયા જાણી ગઈ,
ચૂંથી લીધી બધાએ દિલાસાના નામ પર.
.
ઉલાની ઉપર જ બધા શ્રોતા તૂટી પડ્યા,
સાની કને બચ્યું છે શું? વાહવાહના નામ પર.
.
મનમાં હતું એ આવે તો વાતો ઘણી થશે,
પાણી ફરી વળ્યું છે, એ આશાના નામ પર.
.
પુરુષ છું એથી લાગણી વિનાનો ના સમજ,
આંસુ સરી પડ્યા છે પુરાવાના નામ પર.
.
પિતા સમાન ઝાડ વિરોધે જે ડાળ થઈ,
કુલ્હાડી સાથે થઈ ગઈ હાથાના નામ પર.
.
છેલ્લે બધાએ હાર કબૂલી લીધી ખરી,
ઊંચકી લીધો મને તો, જનાજાના નામ પર.