તાતી જરૂરિયાત છે, તાજી શાકભાજી સમારી આપે એવા વિરલાઓની...!
ઓર્ડર પ્રમાણે પાલક, મેથીના પાંદડા ચુંટીને તોડી આપવાના, એક એક પાંદડું હાથેથી તોડીને આપવું જરૂરી, આખી જૂડીને ચપ્પા વડે કાપી આપે એ સ્વીકારવામાં આવશે નહિ એની ખાસ નોંધ લેવી. પાંદડાને ધોઈ, માટી રહિત કરીને આપવા પડશે, જો પાછળથી વાનગીમાં કર કર અવાજ આવ્યો તો એ દિવસનો પગાર કટ. ભાજી ધોવા માટે ચારણો, છાબડી વગેરે તમે જાતે લાવી શકો તો ઉત્તમ રહેશે મેળ ના જ પડે એવું હોય તો આપવામાં આવશે જે કોન્ટ્રાક્ત પૂરો થાય ત્યારે સહી સલામત પાછું આપવું ફરજિયાત છે!
વટાણા, તુવેર, પાપડી, ચોળીના દાણા ફોલી,ધોઈ ડબ્બામાં પેક કરી આપવા પડશે. બધા દાણા સારા, મોટા અને ઈયળ રહિત હોવા જરૂરી છે... એક ખરાબ દાણો બાકીના બધા દાણાને ખરાબ કરી શકે છે એટલું તો તમે સ્કૂલમાં ભણ્યા જ હશોને...?
કાકડી, ગાજર, કોબીજ, લીલી હળદર, બીટ અને ટામેટા વગેરેને સાફ ધોઈ, નિતારી કોઈ વખત પાતળી છીણ કે પિત્તા રૂપે કાપીને ડબ્બામાં પેક કરી આપવા પડશે. કોઈ જાતનો મસાલો, તેલ, લીંબુનો રસ પ્રયોગમાં લેવો નહિ...એ હું ટેસ્ટ પ્રમાણે મારી જાતે જ એડ કરીશ.
કેટલાક કઠોળ વીણીને, રાત્રે પલાળી, સવારે સાફ, સફેદ કપડામાં બાંધીને લટકાવી, ફણગાવેલા કઠોળ ડબ્બામાં પેક કરી આપવા પડશે...એમાં પણ કશું જ ઉમેરવું નહિ! કયા દિવસે કયા કઠોળ લેવા એ કઠોર નિર્ણય હું જાતે લઈશ તમારે મને એ વાતે કોઈ સલાહ આપવી નહી.
બસ, આટલું જ કામ છે....ખાસ ભાઈઓ માટે, બહેનો માટે નહિ કેમ કે બહેનોના વાળ લાંબા હોય છે અને ક્યારેક ભાજીમાં એકાદો લાંબો વાળ દેખાઈ જાય તો હું એ ખાઈ નથી શકતી...બીજું કારણ એ કે એમને ઘરે સાંજે જે વાનગી બનાવવી હોય એની તૈયારીમાંથી એ નવરા ના પડે અને મને સમયસર ડિલિવરી જોઈએ... સમયના મામલે હું બહુ સ્ટ્રિક્ત છું... આજ એટલે આજ જ એનું કલ કરે એવા લોકોને હું કોઈ દિવસ કામ ઉપર નથી રાખતી...
પગાર..? કેટલો આપવો જોઈએ? તમારી આવડત અને સ્વચ્છતા અને સમયસર કામ થયું કે નહીં એ આધારે રકમ નક્કી કરવામાં આવશે. સરસ કામ કરનારને સારામાં સારી આવક મળશે...પંદર દિવસ ટેસ્ટ આપ્યા પછી જ ફાયનલ ઉમેદવાર નક્કી થશે. જે જે વીરાને રસ હોય એ કૉમેન્ટમાં પોતાનું નામ નોંધાવી શકે છે કે બીજાનું સજેસ્ટ કરી શકે છે. શરૂઆતના પંદર દિવસ શાકભાજી તમારે જાતે ખરીદવાના રહેશે...જેનું પેમેન્ટ પાછળથી કરી દેવાશે.
યાદ રાખો સરકારી નોકરી મળશે ત્યારે મળશે...અહીંયા લીધેલો અનુભવ તમને જીવનમાં ગમે ત્યારે કામ લાગી શકે છે... ધીરજનાં પાઠ ભણાવી જશે...ભવિષ્યમાં તમે તમારી પત્નીના માનીતા પણ થઈ શકો એવો સોનેરી અવસર...?