શબ્દની બેડી પડી છે જીભમાં , શું બોલીએ ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં , શું બોલીએ ?
બહાર ઊભા હોત તો તસ્વીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસ્વીરમાં , શું બોલીએ ?
આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા,
બહુ બહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં , શું બોલીએ ?
ત્રાજવે તોળ્યા તો એ નખશીખ હલકા નીકળ્યા,
શખ્સ જે રહેતા હતા બહુ ભારમાં , શું બોલીએ ?
બોબડી સંવેદના ઉકલી નહીં છેવટ સુધી,
એટલે ઢોળાઇ ગઇ આ શાહીમાં , શું બોલીએ ?
લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ,
એ ઊભા છે આપના સત્કારમાં , શું બોલીએ ?
રમેશ પારેખ