પુરૂષ : સાત રંગોનું મેઘધનુષ્ય
-----
જેન્ટલમેન કિસે કહેતે હૈ…આયુષ્યમાન ખુરાનાનો આ વિડીયો સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થયો છે. દુનિયાભરમાં સેંકડો સ્ત્રીઓએ મી ટુ…કહ્યું. સંબંધમાંથી ફાયદો લઇ લીધા બાદ પોતાનો ઉપયોગ થયો છે એવું ગાઇ-વગાડીને ચીસો પાડનારી સ્ત્રીઓ સામે એકપણ પુરૂષે પોતે જાણ્યે-અજાણ્યે સીડી બન્યાની ફરિયાદ ન કરી-કારણ કે પોતે લીધેલા નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી સ્વીકારવાની ત્રેવડ મોટાભાગનાં પુરૂષોમાં હોય છે. પોતે કરેલા સમાધાનોને ગાઇ-વગાડીને કહેવાનું એમને માફક આવતું નથી.
પુરૂષ ખુલ્લે આમ રડી શકતો નથી. શયનેષુ રંભા, ભોજનેષુ માતા…જેવો કોઇ શ્લોક એના માટે બન્યો નથી એટલું જ…બાકી એ પણ એનાં હિસ્સાનો રોલ નિભાવતા હાંફી જતો હોય છે-તમારી જેમ જ. એણે ઘરમાં વાસણ માંજવાનાં હોતા નથી. રસોઇ બનાવવાની હોતી નથી. એણે ઓફિસે જવાનું હોય છે. ઢગલેબંધ વાવાઝોડાં સામે અડીખમ ઊભા રહેવાનું હોય છે. ઓફિસમાં રમાતા રાજકારણની સુનામીઓ વચ્ચેથી ભીનાં થયા વિના પસાર થવાનું હોય છે. એને પિરિયડ્સ આવતા નથી. કમર કે પગનાં દુખાવાની ફરિયાદ એ વારેવારે કરતો નથી. સિગરેટનાં એકાદા કશ સાથે કે વ્હીસ્કીનાં પેગ સાથે એ થોડી ગાળો બોલી લે છે-બસ. દોસ્તો સાથેની એની વાતમાં કેન્દ્ર સ્થાને પત્ની, સાસુ, સસરા કે સાળો હોતા નથી.
એની પણ પોતાની ઇચ્છાઓ હોય છે. એની આંખો પણ સપનાંઓ જુએ છે. આ બધું હું શું કામ વેંઢારું…એવો સવાલ એને પણ થતો હોય છે-પણ એ ચૂપ રહે છે. સપનાંઓ શોપિંગ મોલમાં વેચાતા મળતા નથી કે ઇચ્છાઓની કોઇ દુકાનો હોતી નથી-એવું એ જાણતો હોવા છતાં ગજવામાં તમારા સપનાઓ અને ઇચ્છાઓનું લાંબુ લિસ્ટ લઇને આખો દિવસ ફરતો રહે છે.
ઇશ્વરે એનું સર્જન કર્યું ત્યારે દુનિયાભરની હિંમત એની અંદર ઠાંસી-ઠાંસીને ભરી દીધી છે એવું નથી. અંધારાનો ડર એને પણ લાગતો જ હોય છે અને તોય તમારો હાથ પકડીને એ હિંમતથી કહી શકે છે-ડરતી નહીં. સંજોગોથી એ પણ ડરી જતો હોય છે-મુશ્કેલીઓ સામે એને પણ ફફડાટ થતો હોય છે અને તો ય નિર્ણયો લેવાની જવાબદારીમાંથી મુક્ત થયા વિના તંગ દોરડા પર સતત ચાલતો રહે છે. એ ગજબ છે.
પોતાની છાતીમાં મેઘધનુષ લઇને ફરતા પુરૂષને સમજવાનું તો અઘરું જ છે, પણ એનાં રંગોનો સ્વીકાર પણ મુશ્કેલ છે. મેઘધનુષ દેખાય એના માટે માપસરનો વરસાદ જોઇએ-સ્ત્રીઓએ આ એક જ વાતને સમજવાની જરૂર છે.
ઇન્ટરનેશનલ મેન્સ ડે પર દરેક પુરૂષને એનું મેઘધનુષ દેખાય શકે એટલો વરસાદ મળી રહે એવી શુભેચ્છાઓ