દુનિયા ના દરેક પુરુષો ને સમર્પિત
પુરૂષ : સાત રંગોનું મેઘધનુષ્ય
----------------------------------------
એક સ્ત્રી માટે પુરૂષ શું હોય શકે?
તમારા નામની પાછળ લખાતું દિવાલ જેવું અડીખમ નામ? હાથમાં દર મહિને આવી જતી ઘર-ખર્ચની રકમ? તમારા સંતાનોનો પિતા? સમય કરતાં વહેલાં ભરાઇ જતાં લોનનાં હપ્તા? સોલિટેરની ગિફ્ટ? લાઇફ ઇન્સ્યોરન્સ, મેડિક્લેમનાં પ્રિમિયમ્સ વચ્ચે વહેંચાઇ જતો, તમારા નામે રોકાણ કરતો અને તમને સલામતી આપવા લોહી-પાણી એક કરીને પોતે કમાયેલું ઘર તમારા નામે કરી દેતો એક મર્દ?
પુરૂષ શું છે?
પિતા? પ્રેમી? પતિ? કે દોસ્ત?
પુરૂષ એક મેઘ-ધનુષ છે. એની પાસે સાત રંગો છે અને એ સાતેય રંગ દ્વારા એ તમારા જીવનમાં ઢગલેબંધ રંગ ઠાલવતો રહે છે.
પુરૂષનાં આ સાત રંગ છે-સલામતી, સ્વીકૃતિ, સંવેદના,સહકાર, સમર્પણ, સંગાથ અને સંવાદ.
પુરૂષ એ સલામતી છે…અડધી રાત્રે તમને ઘરે મૂકવા આવે એ પુરૂષ નથી-પણ જેનાં સાથે હોવા માત્રથી તમારા દરેક ડર પૂંછડી દબાવીને ભાગી જાય એ પુરૂષ છે. આર્થિક રીતે સ્વતંત્ર સ્ત્રી પોતાની માલિકીનાં ઘરમાં સલામતી મહેસૂસ કરતી નથી પણ ગમતા પુરૂષની છાતી વચ્ચે એ પોતાની જાતને સૌથી વધારે સલામત મહેસૂસ કરતી હોય છે. સ્ત્રી આખી જીંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરૂષ લાગણીઓથી લઇને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર કે ઓફિસ સ્ત્રીનાં નામે કરી દેતી વખતે એને ક્યારેય પણ એવો વિચાર આવતો નથી કે એ દગો દઇને જતી રહેશે તો? એ સલામત થવામાં નહીં પણ સલામતી આપવામાં માનતો હોય છે.
પુરૂષનો બીજો રંગ છે-સ્વીકાર. સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે એનાં કરતાં પણ પુરૂષો માટે કોઇપણ વાત કે પરિસ્થિતિનો સ્વીકાર વધારે સહેલો હોય છે. પત્ની પતિની નાની-નાની વાતને ગાઇ-વગાડીને મોટી કરી શકે છે પણ પત્નીની નહીં ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા દેતો નથી. કશુંપણ બદલી નાંખવાનાં વિચારોને અમલમાં મૂકવા કરતા એને સ્વીકારી લેવાનો રસ્તો એને હંમેશા સહેલો લાગે છે.
પુરૂષનો ત્રીજો રંગ છે-સહકાર. આ એનો સૌથી મોટો ગુણ છે. એક સ્ત્રી બીજી સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે પીછેહઠ કરી લેતી હોય છે. પુરૂષ આવું કરતો નથી. બીજા પુરૂષને મદદ કરવાની આવે ત્યારે એ પાછળ હટી જતો નથી. એ સહકારમાં માને છે.
પુરૂષનો ચોથો રંગ છે સંવેદના. એની પાસે પણ ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે-એ રડીને, કકળાટ કરીને, ટોન્ટ મારીને એને વ્યક્ત કરતો નથી. દિવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓ આખી જીંદગી એની છાતી સાથે વીંટળાયેલી રહે છે અને કોઇની પણ જાણ બહાર પુરૂષ એને લીલીછમ રાખવાનાં પ્રયત્નો કરતો રહે છે.
પુરૂષનો પાચંમો રંગ છે-સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રી સૌથી વધારે સમર્પિત હોય છે. આ વાત સાચી છે પણ એનો અર્થ એવો નથી કે પુરૂષો સમર્પિત હોતા નથી. સ્ત્રીનાં કમિટમેન્ટ કરતા પુરૂષનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘાટ્ટું હોય છે. ‘આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે…’ આવું સ્ત્રી અનેકવાર કહેતી હોય છે-પુરૂષ આવું બોલતો નથી. એ વિના બોલ્યે જવાબદારીઓ નિભાવતો રહે છે.
પુરૂષનો સૌથી મહત્વનો રંગ છે-સંવાદ અને સંગાથ. સડી ગયેલા સંબંધમાં શ્રધ્ધા રાખીને એ છેલ્લે સુધી સંગાથ જાળવી રાખે છે. સ્ત્રી અબોલા લઇ શકે છે પણ પુરૂષ માટે અબોલા સહેલા નથી હોતા. એનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્વાસ જેટલો જરૂરી થઇ જતો હોય છે.