અમૃત ૧
નાની ઉંમરથી જ અમૃત હોંશીલો હતો.નિરાશા એને ગમતી જ નહિ.તેથી કંઈને કંઈ નુખશા કરી તેની બા ને પણ તે હસાવતો.બા જે દિવસથી બાપાને છોડી ને ચાલી નિકળી હતી ત્યારથી તે બાની આંગળી પકડીને જોડે ને જોડે જ રહેવા લાગ્યો,જાણે મૂક રહી કહેતો કે બા તમે ચિંતા ન કરો હું મોટો થઈ તમને જરૂર અસહાય નહિ રહેવા દઉં.સમયને વિતતા વાર ક્યા લાગે છે.હારિજ છોડી મહેસાણામાં તે ને તેની બા રહેવા લાગ્યા ત્યારથી તે જોતો આવ્યો હતો કે બા હવે ખુશ લાગતી,ક્યારેય તેની આંખ સૂજેલી નહોતી લાગતી.સ્વચ્છ કપડાં પોતે પણ પહેરતી ને તેને પણ સુઘડ રાખતી.તેથી જ તે પણ ચોખ્ખાઈ નો હિમાયતી હતો.
બાપાને ત્યા બાને એણે ક્યારેય ખુશ નહોતી જોય,હમેશાં ગભરાટ તેના ચહેરા પર રહેતો ક્યારે તેનો ધણી તેને મારશે,ડારશે કે રાક્ષસની જેમ ચૂંથી નાંખશે
તે તેનો ડર તેને શાંતિથી સૂવા પણ નહોતો દેતો.ક્યારેક કામ માટે બાપા બહારગામ હોયતો તે મીઠા સ્વરે કંઈક ને કંઈક ગણગણતી રહેતી.બાના હાથની રસોઈ લોકો આંગળા ચાટી ને ખાતા.તેમની ભરેલી સાડી લોકો વખાણતા.પણ બાપા કંઈકને કંઈક વાંક કાઢી બિચારી બા ને એવો ઢોર મારતા કે બા બે ત્રણ દિવસ બહાર કોઈને મોઢું દેખાડી સકતી નહિ.
એક દિવસ ધીરજ ના બાંધ તૂટી ગયા.બાની બહેનપણી આવી હતી,ત્યારે બાપાએ હદ વટાવી બાની સાથે જંગલીપણું દાખવ્યું. બા આથી ખૂબ દુ:ખી થઈ ગઈ.બાની બેનપણી સર્યૂમાસી થી જોવાયું નહિ તેમણે તેમની બહેનપણીને સમજાવી કે ,”આવું ક્યા સુધી?સરૂ તું આને છોડી કેમ નથી દેતી??”એ દિવસે બા આખી રાત સૂતી નહિ.સવારે વહેલી ઊઠી નાહી ધોઈને મંદિરે પૂજા કરી ભગવાન પાસે સાષ્ટાંગ દંડવંત કરી ક્ષમા માંગીને પહેરેલો કપડે નિકળી ગઈ.દીકરા અમૃતને આંગળી પકડાવીને ભગવાન ભરોસે બસ સ્ટોપ પર આવી,છેડે બાંધેલા થોડા રૂપિયા માંથી બસની ટિકિટ કઢાવી બહુ દૂર નહિ પણ મહેસાણા માંજ ઉતરી.