'જૂઠ બોલે કૌઆ કાટે'
માટે આપણે સત્ય બોલવું જરૂરી છે.
સત્ય તો આપણી ખુમારી છે
મજબૂરી નથી.
સત્ય નહીં બોલીએ
તો કોયલના ટહુકાને
મરેલી માછલીની જેમ
કાગડો ચાંચ મારી મારીને ચૂંથી નાખશે.
આફવાઓ પર નભતા સમાચારો
સવારના પહોરમાં ઊગે છે કાળા સૂર્યની જેમ.
સત્યથી સત્યાગ્રહ સુધીની
આપણી યાત્રામાં
આપણને મળે છે
પગ વિના ચાલતા
પ્રવાસીઓ ટોળાઓ
કેવળ ટોળાઓ.
~ કવિ નરેન્દ્ર મોદી
કવિ નરેન્દ્ર મોદીએ પોતાનું તખલ્લુસ પણ રાખ્યું હતું મારા સ્મરણ મુજબ એ 'સમીર' હતું.
ખુમારી પર લખાયેલી આ કવિતામાં કવિએ જૂઠ છોડીને સત્ય બોલવાના આગ્રહ પર ભાર મૂક્યો છે.ગાંધીજી સત્યના બહુ આગ્રહી હતા તેઓ કહેતા: 'સત્ય એ જ પરમેશ્વર છે' ગાંધીજીના ડાહ્યા ત્રણ વાંદરા આ જ બધા પ્રકારના સત્યની વાત કરે છે.
જો સત્ય ના બોલીએ તો શું શું થાય તેની વાત કવિતામાં સરસ રીતે પ્રયોજી છે.
'સત્ય નહીં બોલીએ
તો કોયલના ટહુકાને
મરેલી માછલીની જેમ
કાગડો ચાંચ મારી મારીને ચૂંથી નાખશે.'
સવારના પહોરમાં અફવા સમાન ઊગતા સમાચારો કાળા સૂર્ય જેવા છે તેમ તેઓ કહે છે.
'આફવાઓ પર નભતા સમાચારો
સવારના પહોરમાં ઊગે છે કાળા સૂર્યની જેમ.'
આજે પણ ક્યાંકને ક્યાંક સમાચારો અફવા પર ટકે છે.સમાચાર હોતા નથી પણ જૂઠના આધારે બનાવવામાં આવે છે અને લોકોને સત્યને દૂર રાખવામાં આવે છે.આજકાલના સમાચારો માચીસનું કામ કરે છે,બારૂદનું કામ કરે છે.
લોકોની માનસિકતા વિકૃત કરવાનું કામ આજકાલની ટીવી ચેનલો કરે છે જે સમાજ માટે કાળા ધબ્બા સમાન છે એવું કવિએ પોતની કવિતામાં કાળા 'સૂર્યની જેમ' એમ કહ્યું છે.
સૂર્ય ખરો પણ કાળો, જે માત્ર અંધારું જ ફેલાવે અજવાળું નહીં.
'સત્યથી સત્યાગ્રહ સુધીની
આપણી યાત્રામાં
આપણને મળે છે
પગ વિના ચાલતા
પ્રવાસીઓ ટોળાઓ
કેવળ ટોળાઓ.'
સત્યને સાથે રાખીને કવિએ ટોળા વિશે પણ સરસ વાત કરી છે,ક્યાંક આ કવિ ટોળા વિશે એમ પણ કહે છે કે, 'ટોળાનું મેળામાં રૂપાંતર કરવું એ છે મારો જીવન ધર્મ.મારૂ જીવન કર્મ'
કવિ ટોળાનું રૂપાંતર કેવી રીતે કરવું,એને કેવો ઓપ આપવો એની કુનેહ કવિ પાસે છે અને તે રૂપાંતર કાર્યને તેઓ પોતાનો ધર્મ અને કર્મ માને છે.
~ પ્રવીણસિંહ ખાંટ