અંધકારને બસ ઉલેચ્યા કરો, દિપાવલી આપો આપ આવશે.
વર્ષ ૧૯૯૫. ધોરણ દસની માર્કશીટ. સમાજવિદ્યામાં સાત માર્ક્સ. અરે ભૈ... આ સાત માર્ક્સ પાસ થવા માટે તો ઓછા પડે, પરંતુ નાપાસ થવા માટે પણ ઓછા પડે. એ છોકરડાના હાથમાં માર્કશીટ આવી ત્યારે દિવસ હોવા છતાં ચોતરફ અંધકાર વ્યાપી ગયો. એ બાળકના ડૂમા, ડુસકા, અને આંસુઓની સાક્ષી તેની તાજે તાજી ફૂટેલી કુમળી મૂછો બનેલી..!
“આ... દસમાં ધોરણમાં જો કોઈ ગણિત-બણીત કે અંગ્રેજી-બંગ્રેજી નાપાસ થાય તો માની શકાય. કાંઈ નૈ ને આ વાર્તાની ચોપડી ઇતિહાસમાં નાપાસ થૈ જાવાનું????? ઇતિહાસમાં આવે પણ શું ? તલવારો ને તારીખો... રાજાઓ અને રાણીઓ... અરે ભલા માણસ આમાં નાપાસ થવાય???!!!”
એ છોકારના કાનપટ્ટી પર સગાં-વ્હાલાઓ આ રીતે ધડાધડ શાબ્દિક ફાયરીંગ કરતાં...
ત્રણ વર્ષ પછી બોટાદકર કૉલેજમાં મુખ્ય વિષય ઇતિહાસ રાખ્યો. (મુખ્ય વિષય મનોવિજ્ઞાન રાખવો હતો. જે એ સમયે શક્ય નહોતું.) વર્ષ ૨૦૦૧માં ત્રીજા વર્ષનું પરિણામ આવ્યું. ભાવનગર યુનીવર્સીટીમાં એ વખતે પંદર જેટલી કૉલેજો હતી. ધોરણ દસમાં ઇતિહાસ (સમાજવિદ્યા)માં નાપાસ થનાર એ વિદ્યાર્થી સમગ્ર ભાવનગર યુનીવર્સીટીમાં બીજા ક્રમે પાસ થયો. અનુસ્નાતક ભવનમાં ભાવનગર યુનીવર્સીટીમાં પ્રથમ ક્રમે રહ્યો. બી.એડ. કૉલેજમાં એ પ્રથમ જ રહ્યો. વર્ષ ૨૦૦૪થી એ બાળકોને ઇતિહાસ (સામાજિક વિજ્ઞાન) ભણાવે છે.
એ છોકરો આજે ધોરણ દસની માર્કશીટ જોઈને મૂછોમાં હસે છે.
અનુસ્નાતક ભવનમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કે જેઓ રુદિયાંના સિંહાસન પરથી હેઠે ઉતારવાનું નામ નથી લેતા એવા કોરાટ સર જયારે ભણાવતા ત્યારે પોતાની અનામિકા આંગળીઓ પરની વીંટી સાથેનો હાથ ટેબલ પર પછાડીને કહેતા...
ઇતિહાસ એટલે તલવાર અને તારીખો નહી... ઇતિહાસ એટલે રાજા અને રાણીઓ નહી... ઇતિહાસ એટલે વાર્તાઓ નહી...!
(ઇતિહાસ એટલે શું? એ અધ્યાય ફરી કયારેક...)
સાત માર્કસના સ્કોર સાથે ઇતિહાસમાં અડીખમ રહેનારો એ છોકરાનું નામ છે... નરેન્દ્ર જોષી.
આ વાત મને રોજ પ્રેરણાં અર્પે છે. પરંતુ આજે આપની સમક્ષ એટલે રજૂ કરી રહ્યો છું કે અત્યારે સમગ્ર ગુજરાતમાં પ્રાથમિક ગુરુજનોની આઈ.આઈ.એમ.નાં માધ્યમથી સમર્થ-૨ની ઓનલાઈન તાલીમ ચાલી રહી છે. જેમાં ધોરણ આઠમાં સયુંકત રાષ્ટ્રો (UN)નો અભ્યાસ કેસ-સ્ટડી રૂપે રજૂ કર્યો છે. આ એકમનો સરળતાથી અભ્યાસ કરવા માટે નાટ્યીકરણ કરવામાં આવેલું.
“નરૂભા(મૈત્રીક ઉવાચાતું નામ માત્ર) આઈ.આઈ.એમ.માં તારા વિષયનો કેસ-સ્ટડી હોવો જોઈએ..” આવું વારંવાર કહીને પ્રેરણાં આપનાર પ્રવીણભાઈ ખાચર ઉર્ફ પાર્થરાજ... સસ્નેહ આભાર.
આઈ.આઈ.એમ.માં આવું જ એક વ્યક્તિત્વ છે.. શ્રી લાલજીભાઈ. જેમને અધ્યયન એકમ માટે માર્ગદર્શન આપતા રહ્યા. સામેના વ્યક્તિ પાસેથી કાર્ય પૂર્ણ કરાવવાની ધીરજ લાલજીભાઈમાં મળી, અને આ કેસ-સ્ટડી પૂર્ણ થયો.. લાલજીભાઈ આપનો આભાર.
જે બાળકોને નાટકમાં ભાગ લીધો હતો તેઓ આજે ધોરણ નવની બેન્ચ પર પોતાનું નામ કોતરી રહ્યાં હશે. એમનો આભાર. મારી શાળા... સર્વે ગુરુજનો... થેન્ક્યુ.
લેખન નરેન્દ્ર જોષી. (૨૫/૧૦/૨૦૧૯)