*મનમોજી વરસાદ ! ! !*
આખો અષાઢ સાવ કોરો કાઢે ને પાછો ભાદરવે વરસે ભરપૂર
એવો તો મનમોજી થઈ ગ્યો વરસાદ જુએ નોરતાં ને થાય ગાંડોતૂર
ચણીયા ચોળી ને એમાં ટંકાયા આભલા, ને આભલામાં ટહુકે છે મોર
વાદળી ને વીજળીની તાલી દઈ દઈને એ તો ગરબે ઘૂમે છે ઘનઘોર
એવું રમે કે ગામ ડુબુ ડુબુ થાય અને ઉમટે કાંઈ જોબનના પૂર
એવો તો મનમોજી થઈ ગ્યો વરસાદ જુએ નોરતાં ને થાય ગાંડોતૂર
સુરજ ને ચપટી વગાડીને ઓલવે ને ઓચિંતો આવી અંધારે
ટીપાંની સામે જે છત્રી ધરે ને એને છાંટે ને છાંટે ફટકારે
કોની મજાલ છે કે પલળ્યા વિનાનું કોઈ જઇ શકતું એનાથી દૂર ?
એવો તો મનમોજી થઈ ગ્યો વરસાદ જુએ નોરતાં ને થાય ગાંડોતૂર
વરસી પડવાનું નામ ધારો કે શ્યામ છે તો ભીંજાતું હોય એ જ રાધા
અંદરથી ઊગવું તો એને કહેવાય જેની કોરા રહેવાની છૂટે બાધા
ગોકુળ ને વૃંદાવન આંખ સામે સર્જે ને સંભળાવે વાંસળીના સૂર
એવો તો મનમોજી થઈ ગ્યો વરસાદ જુએ નોરતાં ને થાય ગાંડોતૂર
કૃષ્ણ દવે. તા-૨૭-૯-૧૯