#નવરાત્રી_શક્તિ_મહોત્સવ
માતાજી ની આરાધના નું પર્વ એટલે નવરાત્રી.. ગુજરાતમાં નવરાત્રિનું અનેરું મહત્વ છે. નવ દિવસ શક્તિ ની આરાધના પોતાની ભક્તિ અને યથા શક્તિ પ્રમાણે કરવાની હોય છે. અમે નાના હતાં ત્યારે તો સૌરાષ્ટ્ર માં ગરબી ચલણ ખૂબ જ હતું ચોક માં માંડવો બંધાય માતાજી નું મંદિર વચ્ચે સ્થપાય અને તેનાં ફરતે બાળાઓ રાસ ગરબા રમે. આ માટે ની પ્રેક્ટિસ પણ ભાદરવો શરૂ થાય તે પહેલાં શરૂ થઈ જાય. 5 વર્ષની બાળકી થી લઇ 15 વર્ષની બાળા સુધીના અલગ અલગ વિભાગ પ્રમાણે અલગ અલગ એક્શન સાથે માતાજીના ગરબા પર તાળી, દાંડિયા, ખંજરી, દિવડા, મંજીરા અને ટીપણી રાસ કરવામાં આવતાં. રોજ અલગ અલગ કલરની સાડી પહેરવાની પણ મજા હતી. ગરબામાં પણ તાલી માટેનો ગરબો હોય તે દાંડિયામાં ન ચાલે, ખંજરી માટે અલગ શબ્દો વાળો ગરબો હોય તો ટીપણી નો તો એક જ "કચ્છમાં અંજાર મોટા શહેર છે" આવું કોઈ ક્યાંય નિયમ નહીં છતાં વણલખ્યા નિયમ થઈ ગયેલ. નવ દિવસ કુમારિકા ને મા આદ્યશકિત નું રૂપ ગણવામાં આવે એટલે તેને દૂધ, નાસ્તો અને લાણી પણ આપવામાં આવતી. મને યાદ છે કુમારિકા પૂજામાં કેળું આપતાં.
જેમ જેમ સમય બદલાતો ગયો પૂજા લાણી અને નાસ્તામાં પણ બદલાવ આવ્યા. મોટી મોટી ગરબીમાં ચણીયા ચોળી સરખાં આપતાં તો લાણી માં સોના, ચાંદી ની વસ્તુઓ અપાવવા લાગી. માતાજી ની ભક્તિ પોતાની શકિત પ્રમાણે થતી જો કે માતાજી માટે દરેક ભક્ત સરખો રહેતો એ તો એમની કૃપા દ્રષ્ટિ ભાવ જોઈ ને જ નાખતી. નવ દિવસ જાણે કોઈ અલગ જ પૃથ્વી પર આવ્યા હોય તેવું લાગતું. પણ ધીમે ધીમે શેરી ગરબા એ મોટા પાર્ટી પ્લોટમાં સ્થાન લીધું અને માતાજી ના ભક્તિના ગરબા એ ફિલ્મી ગીતો ને સ્થાન આપ્યું. બદલાવ આવ્યો અને મા શક્તિ ની આરાધના સ્વ શક્તિ ની ઉપાસના બની.
હું નાગર કુળમાં જન્મેલ છું માટે અમારા કુળમાં થતાં બેઠા ગરબા ની વાત કેમ કરી ને ન મૂકું અહીં. બેઠાં બેઠાં મા શક્તિ ની ભક્તિ કરવાની પરંપરા ક્યારે શરૂ થઈ તે તો ખબર નથી પણ જેમ પંજાબમાં માતાજીના જગરાતા હોય તેમ અમારે માતાજીની ઉપાસના કરવા ની આ રીત છે. બેઠા ગરબા એવાં ગરબા ગવાય જે જો ભાવ થી સાંભળો તો સાચે તમને આદ્ય શક્તિ નો આભાસ થાય અને તમારા શરીર માં ધ્રુજારી થાય. અમુક ગરબા તમને મા શક્તિની ભક્તિમાં એવા તલ્લીન કરી દે કે તમારી આંખમાં થી ભાવના આંસુ વહેવા લાગે (સ્વાનુભવ) છે.
બેઠા ગરબા ખૂબ જ ધીમી તાલે ઓછા વાજિંત્રો સાથે ગાવામાં આવે છે. (#MMO ) અહી એક ગાઈ અને બીજા એમની પાછળ ગાઈ એવું પણ હોય અને બધા એક સૂરમાં ગાઈ એવું પણ હોય. બસ મા અંબાની આરાધના કરવાની વાત છે. ફરતાં ગરબા કરો કે બેઠા મા શક્તિની ઉપાસના જ થાય છે. આમ તો નારીને માતાજી નું સ્વરૂપ જ ગણવામાં આવે છે ત્યારે હું તો એટલું જ કહીશ કે આપના ઘરની નારી નું સન્માન કરશો તો મા જગદંબા હમેંશા પ્રસન્ન રહેશે...
અહીં ફરતાં અને બેઠા ગરબા બંનેની લિંક છે
#કોઈ ભૂલ ચૂક હોય તો ક્ષમા કરજો
https://youtu.be/RYuB39-kdyU
https://youtu.be/3KY5jIiKs1A