સહજ કપટ
બાળ પ્રતિભા શોધ સ્પર્ધા (૨૦૧૯) ચાલી રહી છે. સ્ટેજ છે. સ્ટેજની બાજુમાં સામે નિર્ણાયકો છે. નિર્ણાયકો ચુસ્ત નિયમોની માપપટ્ટીથી સ્પર્ધકોને માપી રહી છે. સામે વિધ-વિધ શાળાના બાળકો છે. આ બાળકો પાસે ખુશીઓને વ્યક્ત કરવાનો ઉન્માદ અત્યારે ભરપૂર છે. તેમની પાછળ બાળકોના શિક્ષકો છે.
હવે રજૂ થશે.. એક પાત્રીય અભિનય..
હવે આવશે...
ત્યાં એક બાળક સ્ટેજ પર આવ્યો..
પોતાનો પરિચય આપ્યો..
પોતે જે પાત્ર ભજવશે એ પણ કહ્યું.. અને આરંભ થયો... એક પાત્રીય અભિનયનો..
સામે બેઠેલાં બાળકોએ તાળીઓનો ગુલાલ ઉડાવ્યો..!
બાળકે કંઠસ્ત કરેલાં સંવાદો લાજવાબ રીતે પેશ કરતો હતો. તેની સામેના સમગ્ર વાતાવરણને પોતાના સંવાદમાં બાંધી રહ્યો હતો. ચોપાસનું વાતાવરણ તેનામાં ભળી રહ્યું હતું. એક પછી એક સ્ફૂટ થતાં સંવાદો બાળ પ્રતિભા શોધ માટે ઉચિત હતા. વચ્ચે-વચ્ચે... વાહ ! વાહ ! ...જેવા ઉદગારો એ બાળકના કર્ણ સુધી પહોંચતા હતા..
ત્યાં..
અચાનક...
એ બાળક પોતાનો એક ડાયલોગ્સ વિસરી જાય છે...
એટલે એ અટક્યો..
દૂર બેઠેલાં પોતાના સાહેબ તરફ જોયું.
નિર્ણાયકોની પેન તરફ નજર કરી.
સંવાદ યાદ કરવા ઘણું મથ્યો..
બાળક પોતે પોતાના પર જ નારાજ થતો હતો..
તેની મથામણ તેના મો પર અંકિત થતી હતી.
સંવાદ યાદ ન આવ્યા, આવ્યા આંખોમાં ઝળઝળિયાં..!
સાહેબે કહ્યું: “બેટા આગળનો સંવાદ બોલો..”
અંતે...
બાળકે હાથમાંથી માયક મુકીને સ્ટેજ નીચે ઉતરી ગયો.
આવું કેમ થાય છે?
અહિયાં (સામે ઓડિયન્સમાં) બેઠેલાં લોકોને ક્યાં ખબર છે કે તમે ભૂલી ગયા છો... આગળનો સંવાદ બોલવો જોઈએ...
મોટેરાંઓની આ સહજ વાત બાળકોને ગળે કેમ નથી ઉતરતી?
બાળક આગળનો ડાયલોગ્સ કેમ નથી બોલતો?
તેનો ઉત્તર છે..
બાળકો સહજ કપટ નથી કરી શકતા..!
લેખન: નરેન્દ્ર જોષી. (૧૨/૦૯/૨૦૧૯)