વાચકમિત્રો,
આ વાત છે સન 2008ની આસપાસની જ્યારે હું વડોદરા પાસેના નાનાં નગર બાજવાની એક કંપનીમાં નોકરી કરતો હતો. હું આણંદ શહેરથી બાજવા સુધી ટ્રેનમાં અવરજવર કરતો હતો. સવારે 7:00વાગે મેમુ પકડીને બાજવા જવાનું થતું. ગાડી લોકલ હોવાથી 8:15 વાગ્યાની આસપાસ હું બાજવા પહોંચતો. ઓફિસનો સમય 9:15 નો હોવાથી મારી પાસે પૂરતો સમય હતો કે હું આજુબાજુનું બઝાર જોઈ શકું પણ, મને બહુ ખાલી ફરવાનો શોખ નહીં એટલે હું રેલવે સ્ટેશન પર જ સમય ગળતો.
એક દિવસની સવારે, હું રોજની જેમ બાજવા સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યો. ઉતરીને હું રોજની નક્કી કરેલ જગ્યા પર બેસી ગયો. થોડીવાર પછી એકદમ મને કોઈ બાઈનો રડવાનો અવાજ આવવા લાગ્યો. અવાજ એટલો મોટો હતો કે સ્ટેશન પર કામ કરતાં કર્મચારીઓ, મુસાફરો અને રાહદારીઓ ભેગા થઈ ગયાં. હું પણ તે અવાજ તરફ આગળ વધ્યો.
ભીડમાંથી પોતાની જાતને ભરાવીને તે બાઈ સુધી હું પહોંચી ગયો. જોયું તો તે આશરે 65વર્ષની બાઈ હતી જેને આપણે હવે માજી કહીશું. પહેરવેશથી તો પરપ્રાંતીય જેવા લાગતા હતાં- થોડી ફાટેલી સાડી, સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, ટૂંકુ કદ. માજી પોતાની માતૃભાષામાં કાંઈક રડતાં રડતાં બોલી રહ્યાં હતાં. પહેલી નઝરે તો તે માજી પાગલ છે તેવું અમે સૌએ માની લીધું. તેથી, તેમને કોઈકે પૈસા આપ્યાં કોઈકે બિસ્કિટ આપ્યા, કોઈકે પાણીની બોટલ આપી. બધાંને એમ કે કોઈક ચીજથી તે શાંત પડી જાય પણ, તે માજી તો બધી વસ્તુ નકારતાં હતાં. કોઈ 10 રૂપિયાની નોટ તેમને હાથમાં આપી પણ, માજીએ તો પકડી જ નહીં.
હવે શું કરવું તેનાં વિચારથી બધાં એકબીજા જોડે ચર્ચા કરવાં લાગ્યાં. અમારાંમાંથી મોટા ભાગનાં લોકો તે માજી પાગલ છે તેમ સમજીને પોતાના કામે લાગી ગયાં. થોડાં આંગળીને વેઢે ગણી શકાય તેટલા જ વ્યક્તિ ત્યાં હાજર હતાં.
થોડીવારે તે માજીનો રડવાનો અવાજ ઓછો થયો ને શબ્દો સ્પષ્ટ સંભળાવવા લાગ્યાં. શબ્દો હતાં- "બબુવા...બબુવા..." આ શબ્દોથી થોડી સમજણ પડી કે આ માજી કોઈ બબુવાની ખોજમાં છે. સ્ટેશન પર કામ કરતાં કર્મચારીઓમાં કોઈ પરપ્રાંતીય કર્મચારી તેમની સાથે તે ભાષામાં વાર્તાલાપ કરવાં લાવ્યો.
થોડી વાર્તાલાપ પછી તે કર્મચારી બોલ્યો.
" સાહેબ, આ માજી કોઈ બિહારનાં નાના ગામથી આવ્યાં છે તે ગામનું નામ પણ તે માજીને ખબર નથી. તે માજીનો દીકરો ચાર વર્ષ પહેલાં કે જેની ઉંમર 25 વર્ષની હતી, તે કામ અર્થે ગુજરાતમાં આવ્યો હતો. શરૂઆતમાં તે ફોન કરતો હતો પણ છેલ્લા 6 મહિનાથી તેનાં કોઈ સમાચાર નથી. તો આ માજી પોતાનાં વહાલસોયા દીકરાની ખબર લેવાં માટે અહીં આવી છે. તેને ખબર પણ નથી કે તનો દીકરો ક્યાં અને કઈ હાલતમાં છે."
ત્યાં ઊભેલાં બધાંનાં મોં પર ઉદાસીનતા ફરી વળી..... પેલા ભાઈએ તે માજીને ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો કે તે પોતાના વતન પાછાં પહોંચી જાય. જો પૈસાની વ્યવસ્થા ના હોય તો તેમને અમે બધાંએ મદદ કરવાની હામી ભરી. પણ તે માં તો ફક્ત આસુઓની સાથે બબુવાની માંગણી કરી રહી હતી. અમે તો બધાં લાચાર ઊભાં ઊભાં તે માં ની લાચારી જોઈ રહ્યાં. થોડીવાર સુધી હું માજીની આંખોમાંથી વહેતાં ગંગાજલને જોઈ રહ્યો. મારી આંખો ને ત્યાં ઊભેલાં બધાંની આંખોનાં ખુણા ભીનાં થઈ ગયાં. થોડીવારે તે માજી તો પોતાના પુત્રને શોધવા માટે પોતાની રાહ પર નીકળી પડ્યાં. અમે બધાં એ પડછાયા ને ઊભાં ઊભાં જોઈ રહ્યાં.