માટી છે શુકનવંતી તેના વાસણો ચમકાવી દે છે ભાગ્ય
તમામ ધાતુઓમાં માટીનો પણ એક ધાતું તરીકે પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે. માટીએ પૂર્ણતાનું સ્વરૂપ છે. માટીએ શુકનવંતી માનવામાં આવે છે. એટલે જે આપણે ત્યાં લગ્નપ્રસંગે ગણપતિ સ્થાપન વખતે ગોરસ માટલી સ્થાપનમાં માટીની પાંચ કોરી માટલી કુંભારને ત્યાંથી લાવીને તેને પૂજા સ્થાને મૂકી તેનું પૂજન કરવામાં આવે છે.
ફેંગશૂઈ શાસ્ત્રમાં પણ માટીનું વિશેષ મહત્વ છે. ફેંગશુઇ માને છે કે, ઘરમાં રાખેલા માટીના વાસણ તમારું ભાગ્ય ચમકાવી શકે છે. શાસ્ત્રોમાં પણ માટીના વાસણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પહેલાંના સમયની જો વાત કરીએ તો પહેલાં માટીના વાસણમાં જ રસોઇ બનતી હતી, અને માટીના જ વાસણોમાં ખોરાક ખાતા હતા. ફેંગશુઇ માને છે, કે માટીના વાસણ તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા લાવે છે. સાથે ઓફિસમાં પણ ગુડલક, ધન-વૈભવ, સફળતા મેળવી શકાય છે. કોઇપણ સારું કાર્ય કરવાનું હોય એટલે કે કોઇ પૂજા કે લગ્ન હોય ત્યારે માટીના વાસણનો આગ્રહ રાખવામાં આવે છે.
ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં ઘડામાં પાણી ભરીને રાખવું જોઇએ, તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા નહીં આવે અને સ્વાસ્થ્ય સારું રહેશે
ઘરમાં જે તે વ્યક્તિને સતત તણાવનો અનુભવ થતો હોય, તો તે ઘડામાં ભરેલું પાણી પીવું જોઇએ.
ઘરમાં પૂજા માટે પણ જો ભગવાનની મૂર્તિ માટીની રાખવામાં આવે તો ઘરમાં બરકત રહેશે.
ઘરમાં માટીના પાત્રો દ્વારા સજાવટ કરવામાં આવે એટલે કે ફ્લોવર પોટ, બાઉલ વગેરેને દક્ષિણ-પૂર્વ દિશામાં સજાવવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે.
માટીના વાસણોનો વપરાશ અને ઘરમાં સજાવટ કરવાથી સકારાત્મકતા તો આવે જ છે, સાથે મન પ્રફુલ્લિત રહે છે.