એક પુસ્તકની વેદના..
ગ્રંથાલયમાં
શબ્દો-સંવેદનાઓ સાચવી
ખડકાયેલા પુસ્તકો
રાહ જુએ છે વાચકની,
હવે ક્યાં કોઈ આવે છે
પુસ્તકોને પસવારવા?
સૌ કોઈ વ્યસ્ત છે
સોશિયલ મીડિયાના
'સામાજિક' કામોમાં,
પુસ્તકોને હવે કોણ
પૂછે છે કારણ વિના!
હાથમાં પુસ્તક હોય
એવી વ્યક્તિ
ક્યાં દેખાય છે હવે?
એક સમયે વેદનાને
ખારતા પુસ્તકો
આજ વેદના સમેટીને
પુરાયા છે ગ્રંથાલયોમાં!
'દરેક પુસ્તકને એનો વાચક
મળે' એ વાત પર
હસે છે પુસ્તક,
અને કહે છે:
'હવે દરેક ગ્રંથાલયને એનો
વાચક મળે તો પણ
અમે રાજી..!'