કવિ શ્રી મીનપિયાસીના એકમાત્ર પુત્રી વર્ષાબેને લખેલી કૃષ્ણ પરની આ રચના આજે જન્માષ્ટમીના શુભ અવસરે.
જન્માષ્ટમીની આપ સહુ ને શુભેચ્છાઓ.?️?
બોલ કાના ક્યાં છો તું? પીંછું મારે એક મોકલવું તને !
કહે અલ્યા, કયે ગામ મોકલું? કઈ દિશામાં મોકલું?
પીછું એક ને તું ઠેહેરે અનેક
ગોકુળ મોકલું? મથુરા મોકલું?
વ્રજમાં મોકલું કે વનમાં મોકલું?
નભમાં મોકલું કે વૈકુંઠમાં મોકલું?
કહે ક્યાં મોકલું? વ્હાલા કાના કહે
સ્થલે-સ્થલે, જલ-જલે, વસવાટ તારો, પાંદડે પાંદડે,
ફુલે ફુલે રહેનારો તું.
આકાશે પુલકિત ચહેરો નીરખું તારો,
ને ધુળના રજકણોમાં શોભે તું ન્યારો,
વૈશાખી તડકામાં ખોવાયેલો તું ને,
વર્ષાની અમીધારામાં છુપાયેલો તું
કહે ક્યાં મોકલું કાના!! પીછું તને !!?
પીછું એક ને તું દિસે એકમાં અનેક
બહાવરી મે મીરાં ને પુછ્યું "ક્યાં છે તારો કંથ?"
અભાગી મેં નરસૈંયા ને પુછ્યું " ક્યાં છે તારો નાથ?"
વિનવું હું રાધાને "કહે ને, ક્યાં છે જશોદાનો છૈયો"?
હૈયું રુવે કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ વિના આ ધરતી કૃશ
કૃષ્ણ વિના બધું બેકાર
પીછું એક ને તુજ સ્વરૂપ નીરખું અનેક
કહે કોને પહેરાવું? બોલ કાના
જવાબ દે.... જવાબ દે....
ત્યાં તો આવીને પગલીના પાડનારે ઝુટવ્યું પીછું
ને કડડડડડડ ભુસ થયું, વિચારોનું વૃંદાવન, ને
ત્યારે સહજ મારાથી બોલી જવાયું
કાના ! તું મારી આટલી સમીપ !!!
---વર્ષા મીનપિયાસી