એટલે તો ચાલવામાં સાવ ધીરા થઈ ગયા,
જ્યારે જોયું કે ચરણમાં કંઈક ચીરા થઈ ગયા.
જે મને વાગ્યા ચરણમાં, રહી ગયા એ પથ્થરો,
જેમને મેં હાથમાં લીધા એ હીરા થઈ ગયા.
ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે ?
કે હવે તો હસ્તરેખામાંય ચીરા થઈ ગયા.
ના જુઓ દીવાનગીમાં બહારનાં વસ્ત્રો ફક્ત,
દિલની અંદર લાગણીઓનાંય લીરા થઈ ગયા.
એમ તો સૌએ રડ્યા બેફામના મૃત્યુ ઉપર,
દાટવા માટે પરંતુ સૌ અધીરા થઈ ગયા.
એ મર્યા તો એમ ઊંચકવા પડ્યા બેફામને,
કોઈ મોટા ઘરના જાણે કે નબીરા થઈ ગયા.
– બરકત વીરાણી ‘બેફામ’